શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન
Gandhinagar News : ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક ઉમેદવારો દ્વારા સરકાર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા શિક્ષક ઉમેદવારો ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રીની સાથે પોતાની માગણી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.
શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન
રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોની ભરતી સહિતના મુદ્દે ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતરતાં હોય છે, ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરી એકવાર આજે શિક્ષક દિને શિક્ષક ભરતીના ઉમેદવારોએ પોતાના વિવિધ માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
શિક્ષક ભરતીના ઉમેદવારો દ્વારા 10,700 જેટલી બેઠકો ભરવાની માગ, અનામત નીતિનો અમલ, ખાનગીકરણ-વેપારીકરણ બંધ કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક ભરતીના ઉમેદવારો દ્વારા રાજ્ય સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આંદોલનકારીઓ પોસ્ટર સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળ અને ભાજપ સરકાર હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
ચિત્ર, સંગીત, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ
આ આંદોલન સાથે સત્યાગ્રહ છાવણી ખાતે કાયમી શિક્ષકોની ભરતીને લઈને અન્ય એક આંદોલન થઈ રહ્યું હતું. જેમાં ચિત્ર, સંગીત, વ્યાયામ, કોમ્પ્યુટર શિક્ષકની સીધી ભરતી કરવાની માગ કરવામાં આવી હતી. આંદોલનમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ખુલે આમ સમર્થન કરતાં જોવા મળ્યા હતા. જ્યારે બીજા આંદોલનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આંદોલનને સમર્થન આપવા ગાંધીનગર પહોંચ્યા હતા.