Get The App

ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધાઃ વાલીએ વિરોધ કરતા નફ્ફટાઈથી કર્યો સ્વીકાર

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધાઃ વાલીએ વિરોધ કરતા નફ્ફટાઈથી કર્યો સ્વીકાર 1 - image


Kheda Teacher Cruel Punishment: ખેડા જિલ્લાના મહુધા નગરની એક કન્યા શાળામાં વિદ્યાર્થીનીના વાળ કપાતાં વિવાદ સર્જાયો છે. સ્કૂલના નિયમ મુજબ બે ચોટલી વાળી આવવાની શરત ન પાળતાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની વાળની ચોટલી શિક્ષિકાએ કાપી નાખતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. 

ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધાઃ વાલીએ વિરોધ કરતા નફ્ફટાઈથી કર્યો સ્વીકાર 2 - image

શું હતી ઘટના? 

ઘટના અંગે વાલીઓએ શાળામાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ ઊભી કરી હતી. માહિતી મુજબ, હકીકતમાં શાળામાં બે ચોટલી વાળીને આવવાનો નિયમ હતો. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની સ્કૂલના નિયમ મુજબ બે ચોટલી વિના ખુલ્લા વાળે સ્કૂલ આવી હતી. શાળાની પ્રાર્થના દરમિયાન શિસ્તની ચકાસણી કરતા શિક્ષિકા સંગીતા બેન દ્વારા વિધાર્થીનીની ચોટલી પર કાતર ફેરવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીની રડવા લાગી હતી. શિક્ષિકાના આ વર્તનથી ભારે વિરોધ થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ ખાડી પૂર રોકવા ઝ઼ડપી કાર્યવાહી કરો! સુરતમાં ખાડી પૂર રોકવા સવાણીના પત્રને સુરતના ધારાસભ્યનું સમર્થન

વિદ્યાર્થિનીની આપવીતી

પીડિત વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 'મેં બે ચોટલી નહતી વાળી એટલે સંગીતા ટીચરે મારી ચોટી કાપી નાંખી. આ સિવાય મને ધમકી આપી કે, નવી સ્કૂલમાં આવતી નહીં નહીંતર તારા ગળા પર છરી મુકી દઇશ. તેમણે મને જમવાનું પણ ન આપવા દીધું.' 

શિક્ષિકા અને આચાર્યએ શું કહ્યું?

વાલીઓના વિરોધ બાદ શિક્ષિકાએ નફ્ફટાઈથી કબૂલ્યું કે, 'હા મેં ચોટી કાપી છે. હવે પછી તમારી છોકરીને નહીં કહીએ કે આવી રીતે આવજે.' શિક્ષિકા તરફથી દાવો કરવામાં આવ્યો કે તેઓના હાથથી ભૂલવશ થોડી ચોટલી કપાઈ ગઈ હતી અને કોઇ પણ દુષ્પ્રેસરણા અથવા દુર્વ્યવહારનો ઇરાદો નહોતો. ઘટનાને પગલે શાળાના મુખ્ય શિક્ષક કેતન પટેલે જણાવ્યું કે, 'પ્રાર્થના સભા દરમ્યાન શિસ્ત માટે બાળકોની તપાસ ચાલી રહી હતી. તે સમયે શિક્ષિકાએ માત્ર ચેતવણી આપી હતી, પણ અસાવધાનીમાં વાળ કપાઈ ગયા.' જોકે, આ વિશે આચાર્યએ પોતાના હાથ ખંખેરતા કહ્યું કે, 'હું શાળામાં હાજર નહતો તેથી મને આ વિશે કોઈ ખ્યાલ નથી.'

ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધાઃ વાલીએ વિરોધ કરતા નફ્ફટાઈથી કર્યો સ્વીકાર 3 - image

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન

વાલીઓનો આરોપ

સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ રોષે ભરાયા છે અને શાળાએ એકઠા થઈને શિક્ષિકાના આ કૃત્યનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને શિક્ષિકા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. કેટલાક વાલીઓએ શાળા પરિસરમાં ઉગ્ર ભાષા પણ વાપરી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહીની પણ માગ કરી રહ્યા છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે, શાળાના નિયમોના નામે શિક્ષિકા દ્વારા સતત વિદ્યાર્થીઓ પર દમન ગુજારી તેમનું અપમાન કરવામાં આવે છે. આ ઘટના પ્રાર્થનાના સમયે જાહેરમાં બની હતી. તો બીજા શિક્ષકો ત્યારે શું કરતા હતા? તેમણે આ શિક્ષિકાને કેમ ન અટકાવી? જો કે, મામલાને શમાવવા શિક્ષિકા દ્વારા માફી માગી હતી અને આચાર્ય દ્વારા તેમનો માફીપત્ર લખાવવામાં આવ્યો હતો.

શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી

સમગ્ર વિવાદ બાદ શિક્ષણ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થિનીને ન્યાય આપવા માટે આ અંગે તપાસ શરૂ કરી ગુનેગાર શિક્ષિકા સામે કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે. 

ઈન્ચાર્જ TPEO નીરજ પટેલે જણાવ્યું કે, 'આ બાબતે આચાર્યનો અહેવાલ મળ્યા બાદ સમગ્ર ઘટનાની તપાસ કરીને વડી કચેરીને અહેવાલ મોકલવામાં આવશે. પછીના તબક્કે ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.'

ગુજરાત સરકાર તરફથી કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચાલું છે ત્યારે આ પ્રકારની ઘટના ન માત્ર શાળાની શિસ્ત પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે, પરંતુ સરકારના પ્રયત્નોને પણ પડકાર આપે છે.


Tags :