ખાડી પૂર રોકવા ઝ઼ડપી કાર્યવાહી કરો! સુરતમાં ખાડી પૂર રોકવા સવાણીના પત્રને સુરતના ધારાસભ્યનું સમર્થન
Surat : સુરતમાં આવતા ખાડી પૂર અટકાવવા માટે પાટીદાર સમાજના અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં ખાડી પુર અટકાવવા માટે પાણીની લાઈન ડાયવર્ટ કરવા, તથા સૌની યોજના જેવી કામગીરી કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ આજે વરાછા વિસ્તારના ધારાસભ્યએ મુખ્યમત્રીને પત્ર લખીને સમાજના અગ્રણીએ સુચવેલા ઉકેલ ઝડપથી થાય તે માટેની માંગણી કરી છે.
સુરત શહેરમાં સમયાંતરે આવતા ખાડી પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે આક્રોશ છે. ચારેય તરફથી ખાડી પૂર અટકાવવા માટે સતત માગણી થઈ રહી છે. દરમિયાન હાલમાં પાટીદાર સમાજના અગ્રણી મથુર સવાણીએ સુરતને ખાડી પૂરથી બચાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી કેટલાક ઉકેલ જણાવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, સુરતને બચાવવા માટે આજના ટેકનોલોજીના યુગમાં સારી રીતે ઉપાય કરી શકાય તેમ છે. અંત્રોલી નજીક છેડછા ગામથી નવા રીંગ રોડની સાઈડમાંથી ખાડી પાણીને પાઈપલાઈન દ્વારા ડાયવર્ટ કરીને વાલક ગામ પાસે તાપી નદી સાથે જોડી શકાય તેમ છે. આ એરિયા અંદાજીત 7 કી.મી જેટલો થાય છે.
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના 115 મોટા ડેમો નર્મદાના પાણીથી ભરવા માટે સૌની યોજનાના ચાર રૂટ તૈયાર કરવામાં આવ્યા છે, તે યોજનામાં પાઈપ લાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે સૌની યોજનાના જેવા 2 મોડલનો ઉપયોગ કરી સુરતની ખાડીના પાણીને ડાયવર્ટ કરવાની જરૂર છે. અંત્રોલી નજીક છેડછા ગામથી નવા રિંગ રોડની સાઈડમાં સૌની યોજના જેવું જ મોડેલ કાર્યરત કરીને ખાડી પાણીનો પ્રવાહ તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે તેમ છે. આ યોજના બનાવવા માટે સુરત મહાનગરપાલિકા સક્ષમ છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના સર્વાંગી વિકાસ માટે આયોજન કરે છે તેથી આ પ્રોજેક્ટ માટે યોગ્ય નિર્ણય લઈને આગળની કાર્યવાહી વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે.
સવાણીના આ પત્ર બાદ આજે વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સમર્થન કરતો મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, મથુરભાઈ દ્વારા લખેલ પત્ર બાબતે મને એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલ યોજના પ્રમાણે સર્વે કરી. શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ ? તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ જેથી સુરતને વખતોવખત આવતા ખાડી પૂરમાંથી બચાવી શકાય તેવું મારું માનવું છે. તો આ બાબતે ઝડપથી યોગ્ય કાર્યવાહી થાય તે માટે મારી ભલામણ છે.