મેવાણી બાદ ભાજપના MLA મેદાનમાં, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો દાવો, દબાણો દૂર કરવા માગ

Kumar Kanani: ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી અમલમાં છે. સરકાર દારૂ-ડ્રગ્સ મુક્ત ગુજરાતનો દાવો કરે છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, શહેરોથી માંડીને ગામડાં સુધી દારૂ-ડ્રગ્સનું દુષણ વકર્યુ છે. ડ્રગ્સ પકડીને સરકાર માત્ર ને માત્ર વાહવાહી લૂંટી રહી છે પણ અસરકારક કાર્યવાહીના નામે મિંડુ રહ્યુ છે. છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી રૂ.7350 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતું પણ આ ડ્રગ્સ કોનું હતું તે નક્કી કરી શકાયુ નથી. એટલું જ નહીં, ડ્રગ્સ માફિયાઓ સુધી પહોચવામાં ગુજરાત પોલીસના હાથ ટૂંકા પડ્યાં હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. એવામાં હવે વિપક્ષ સહિત ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સરકારને પત્ર લખી આ વિશે ફરિયાદ કરી છે.
આ પણ વાંચોઃ ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા
ભાજપ ધારાસભ્યએ વિપક્ષના સૂરમાં સૂર પૂરાવ્યો?
દારૂના મુદ્દે જીગ્નેશ મેવાણીના પોલીસને પટ્ટા ઉતારી દેવાના વિવાદથી દારૂ-ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સરકાર અને પોલીસ પર દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. બીજી બાજું જનતા પણ મેવાણીના સમર્થનમાં રેલી કરી દારૂ-ડ્રગ્સના દુષણ સામે અવાજ ઉઠાવી રહી છે. વિપક્ષે પણ જનતા રેડની ચિમકી ઉચ્ચારી છે. એવામાં હવે ભાજપના ધારાસભ્યે પણ વિપક્ષના સૂરમાં સૂર પૂરી સરકારને પત્ર લખીને જાહેરમાં દારૂ-ડ્રગ્સના વેચાણના દુષણની ફરિયાદ કરી છે અને પોલીસની કામગીરી પર આકરા પ્રશ્નો કર્યા છે.
કુમાર કાનાણીએ ડ્રગ્સના દુષણની કરી ફરિયાદ
કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કહ્યું કે, સુર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલ ઓવર બ્રીજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે. અહીં JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે. જેને કારણે તેની આડમાં ગેરકાયદે ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે અને પારાવાર ગંદકી પણ થાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે અનેકવાર રજૂઆતો થયેલી છે. લોકો દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ વાત ધ્યાન પર મૂકવામાં આવી છે. છતાં આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી. આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ આપવા મારી માંગણી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રેલવે સ્ટેશને વેઈટિંગ રુમમાં રોકાવા કલાકના 20 રૂપિયા ભાડું વસૂલાશે
વર્ષ 2020-24માં 94.19 લાખ ડ્રગ ટેબલેટનો જથ્થો પકડાયો પણ કોનો..?
ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેમ લોકો જ અનુભવી રહ્યાં છે. કારણ કે, ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. જે રીતે ગુજરાતમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે તે જોતાં પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તેની કલ્પના કરવી રહી. ગુજરાત આજે ડ્રગ્સનું પ્રવેશદ્વાર બન્યુ છે ત્યારે ડ્રગ્સની બદીને દૂર કરવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. રાજ્યમાં આજે દરિયાકાંઠાના વિસ્તારો જ નહીં, અમદાવાદ જેવી મેટ્રો સિટીમાંય ડ્રગ્સ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ પિલ્સ સહિત નશીલા દ્રવ્યોનું ચલણ વધ્યુ છે. હજારો યુવાઓ આજે ડ્રગ્સના બંધાણી બન્યાં છે. આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાંય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના નારા ગુંજાવી વાહવાહી મેળવી રહી છે. લોકસભામાં કેન્દ્રીય ગૃહ વિભાગે રજૂ કરેલી માહિતી અનુસાર, ગુજરાતમાં વર્ષ 2021થી માંડીને વર્ષ 2024 સુધી માત્ર બંદરો પરથી 3407 કિલો ડ્રગ્સ પકડાયું હતું જેની કિમત રૂ. 7350 કરોડ થવા જાય છે. આ ઉપરાંત 94.19 લાખ ડ્રગ ટેબલેટનો જથ્થો પણ પકડાયો હતો. હવે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે, આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કોનું હતું? કોણે મોકલ્યુ હતું? આ મુદ્દે પોલીસ કશું જ શોધી શકી નથી. એકેય ડ્રગ્સ માફિયા સામે કાર્યવાહી થઈ શકી નથી. આ પરથી એ વાત નક્કી છે કે, ડ્રગ્સના વેપલામાં મોટા માથાઓના સંડોવણી હોઇ શકે છે.
હવે અનંત પટેલની ‘મેવાણીવાળી’, દારૂ-ડ્રગ્સના હપ્તા ખાનારાના 2027માં પટ્ટા ઉતરી જશે
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નિવેદન બાદ હવે ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાને ઉતર્યા છે. દક્ષિણ ગુજરાતમાં કાવેરી સુગરની જમીન પ્રાઇવેટ કંપનીને વેચી દેવાતાં ખેડૂતોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. ચિખલીના સાદલવેડ ગામમાં ખેડૂત આક્રોશ રેલીને સંબોધતાં ધારાસભ્ય અનંત પટેલે ચિમકી ઉચ્ચારી કે, આજે ગુજરાતમાં સરકારની મહેરબાનીથી દારૂ-ડ્રગ્સનું બેફામ વેચાણ થઇ રહ્યુ છે પણ જે ભ્રષ્ટ પોલીસ અધિકારી-કર્મચારી બુટલેગરો-ડ્રગ્સ માફિયાઓને છાવરી રહ્યાં છે અને દારૂ-ડ્રગ્સના હપ્તા ખાઇ રહ્યાં છે તેમના 2027માં પટ્ટા ઉતરી જશે.

