Get The App

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ 1 - image


Drug Liquor Dens: ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની લતમાં યુવાઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે ત્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મહિલાઓ સાથે થરાદ ડીએસપી કચેરી માથે લીધી હતી. આ ઘટના બાદ દારુબંધીને લઇને બરોબરનો વિવાદ જામ્યો છે. હવે જ્યારે ખુદ લોકો જ દારૂ-ડ્રગ્સના અડ્ડા પર જનતા રેડ પાડે તેવી ભીતિ સર્જાઇ છે જેના કારણે પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવી દીધાં છે. જ્યારે બુટલેગરો-ડ્રગ્સ પેડલરો ભૂગર્ભમાં ઉતરી પડ્યાં છે. 

મેવાણીને જનસમર્થન મળતાં સરકાર ભરાઇ પડી

દારુ-ડ્રગ્સ બંધ કરાવો તેવી માંગ સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં વાવ થરાદમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી પડ્યાં હતાં. સ્થાનિકોએ પોલીસને દારુનુ દૂષણ દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતું. માત્ર થરાદમાં જ નહીં, પાટણથી માંડીને છેક કચ્છ સુધી મેવાણીના જનસમર્થનમાં રેલી યોજાઇ હતી. એટલુ જ નહીં, આ રેલીમાં કોંગ્રેસે એલાન કર્યું હતું કે, આગામી દિવસોમાં જ્યાં દારુ-ડ્રગ્સ વેચાતું હશે ત્યાં જનતા રેડ પાડવામાં આવશે. આ જોતા પોલીસ રીતસર ફફડી ઉઠી હતી.

આ પણ વાંચો: કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ

જનતા રેડન ભયથી દારૂ-ડ્રગ્સના અડ્ડા બંધ

મેવાણીના નિવેદન સામે પોલીસ પરિવારોના વિરોધના બહાને રેલીઓ યોજાઇ હતી પણ સરકારનો પોલીસને હાથો બનાવવાનો ડ્રામા કારગર નિવડ્યો ન હતો. દારૂબંધીના મુદ્દે વિપક્ષના લોકોનો સાથ સહકાર નહી મળે તેવી સરકારનું ધારણા ખોટી પડી હતી. બલ્કે દારૂબંધીના મુદ્દે સરકારના વલણને લીધે લોકો રોષે ભરાયાં હતાં. એટલુ જ નહીં, જનતારેડ પડશે તો સરકારની પ્રતિષ્ઠા ખરડાશે તેવી બીકને પગલે હાલ પોલીસે બધા જીલ્લામાં દારૂના અડ્ડા બંધ કરાવી દીધા હોવાનુ જાણવા મળ્યુ છે. એટલુ જ નહીં, બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી પડ્યાં છે. સાથે સાથે પોલીસના વહીવટદારો પણ મોં સંતાડવાનો વારો આવ્યો છે.  સોશિયલ મીડિયામાં તો સરકાર પર માછલા ધોવાઇ રહ્યાં છે. આમ, દારુબંધીના મુદ્દે સરકાર હાલ બેકફુટ પર છે અને વિપક્ષના મોરચા સામે હાથ હેઠા મૂકવા મજબૂર બની છે.

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ 2 - image

Tags :