ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા

Education Policy: ભારત સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર અલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનની રચના કરાયા બાદ ફીઝિયોથેરાપી સહિતના અનેક પેરામેડિકલ-અલાઈડ એન્ડ હેલ્થકેર કોર્સને આ કમિશન હેઠળ સમાવી લેવાયા છે.જેથી ફીઝિયોથેરાપી સહિતના 57 કોર્સના નવા કોમન કરિક્યુલમ બનાવવા સાથે આ કોર્સીસમાં પ્રવેશ માટેની લાયકાતના નિયમો પણ બદલાયા છે. જેમાં ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ફરજીયાત કરાઈ છે એટલે કે આ બંને કોર્સમાં પ્રવેશ માટે હવે નીટ આપવી જરૂરી છે.
ફીઝિયોથેરાપી,ઓક્યુપેશનલ થેરાપી અને ઓપ્ટોમેટ્રી સહિત ત્રણ કોર્સ હવે 1 વર્ષ ઈન્ટર્નશિપ સાથે પાંચ વર્ષના
સમગ્ર દેશમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં જ પ્રવેશ છેલ્લા અનેક વર્ષોથી ભારત સરકારે નીટ ફરજીયાત કરી છે. જ્યારે નર્સિંગમાં ત્રણ વર્ષથી માત્ર નેશનલ ઈન્સ્ટિટ્યુટમાં જ પ્રવેશ માટે નીટ ફરજીયાત છે, જ્યારે રાજ્યાની કોલેજોમાં પ્રવેશ માટે ફરજીયાત નથી. પરંતુ હવે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સાથે ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં પણ પ્રવેશ માટે સમગ્ર દેશમાં નીટ ફરજીયાત રહેશે. ભારત સરકારના નેશનલ કમિશન ફોર અલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન હેઠળ આવતા 57 કોર્સમાંથી ફીઝિયોથેરાપી સહિતના 13 કોર્સનો કોમન કરિક્યુલમ પણ તૈયાર કરી દેવાયો છે અને જે હવે આગામી 2026-27થી દેશભરની તમામ યુનિવર્સિટી-કોલેજમાં સમાનરીતે ભણાવવામા આવનાર છે ત્યારે વિવિધ કોર્સમાં પ્રવેશ માટેની લાયકાતો પણ બદલવામા આવી છે. જેમાં ખાસ કરીને ફીઝિયોથેરાપીમાં અને ઓક્યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે નીટ ફરજીયાત કરાઈ છે એટલે કે આ બંને કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ નીટ આપવી પડશે.
નેશનલ કમિશન હેઠળની ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડૉ. નેહલ શાહના જણાવ્યાનુસાર, આગામી શૈક્ષણિક વર્ષથી ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે નીટ ફરજીયાત કરવામા આવી છે. જે માટે ગુજરાત બોર્ડ સહિત સંબંધીત યુનિ.ઓ-કોલેજોને પણ પત્ર લખી દેવાયો છે. જેથી વિદ્યાર્થીઓને અત્યારથી જ જાણ થાય અને આગામી નીટ પરીક્ષા માટેના ફોર્મ ભરાય ત્યારે વિદ્યાર્થીઓ ભરી શકે. જ્યારે ઓપ્ટોમેટ્રીમાં પ્રવેશ માટે નીટ આપવી ફરજીયાત નથી માત્ર ઓપ્શનલ છે. ઓપ્ટોમેટ્રી માટે નીટ અથવા તો સમકક્ષ બોર્ડ પરીક્ષા માન્ય રહેશે. ઉપરાંત ફીઝિયોથેરાપી,ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી સહિતના ત્રણેય કોર્સમાં કોર્સનો સમયગાળો પણ વધારી દેવામા આવ્યો છે. આ ત્રણેય કોર્સમાં હવે 1 વર્ષની ઈટર્નશિપ રહેશે અને કોર્સ પાંચ વર્ષનો રહેશે. ભારતના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ નોકરી માટે લાયક થઈ શકે અને ગ્લોબલ કમ્પીટન્સીમાં ટકી રહે તે માટે નવા ફોર્મેટ મુજબ અભ્યાસક્રમો તૈયાર કરીને કરિક્યુલમ નક્કી કરાયા છે.
12 સાયન્સમાં 50 ટકા માર્ક અને નીટ એક્ઝામ ફરજીયાત
ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ હવે ધોરણ 12 સાયન્સમાં 50 ટકા માર્ક્સ લાવવા જરૂરી છે. માર્કસ અને નીટની એક્ઝામ આપવી ફરજીયાત છે. અગાઉ માત્ર પાસિંગ માર્કસથી પ્રવેશ મળતો હતો. હવે નીટની એક્ઝામ ફરજીયાત કરાઈ છે. જ્યારે ઓપ્ટોમેટ્રીમાં પ્રવેશ નીટ આપવી ફરજીયાત નથી, પરંતુ ધો.12 સાયન્સમાં 50 ટકા માર્કસ લાવવા જરૂરી છે.

