સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું
Surat News: સુરતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે ઘણીવાર તણાવભરી પરિસ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ લોકોને હસવા મજબૂર કરી દીધા છે. રસ્તાની બાજુમા રહેલી લારી પર પાણીપુરીનો સ્વાદ માણી રહેલી એક યુવતીને ત્યારે આંચકો લાગ્યો જ્યારે તેની મોપેડ ટ્રાફિક પોલીસે ટોઈંગ કરી લીધી. આ ઘટના બાદ યુવતીએ જે રીતે આજીજી અને રડવાનું શરૂ કર્યું, તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
પાણીપુરીની ડીશ ફેંકી દોડી યુવતી
મળતી માહિતી મુજબ, આ ઘટના સરથાણા વિસ્તારમાં બની હોવાનું માનવામાં આવે છે. એક યુવતી પાણીપુરી ખાવામાં એટલી મશગૂલ હતી કે તેને ધ્યાન જ ન રહ્યું કે તેની મોપેડ નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક થયેલી છે. ટ્રાફિક પોલીસની ટીમ ત્યાં પહોંચી અને મોપેડને ટોઈંગ કરી લીધી. પોતાની મોપેડ ક્રેઈન પર ચડી જતી જોઈને યુવતીએ પાણીપુરીની ડીશ ફેંકી લારી પાસેથી દોડીને ટોઈંગ વાહન પાસે પહોંચી ગઈ.
આ પણ વાંચોઃ ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ
યુવતી પોક મુકીને રડવા લાગી
યુવતીએ ટ્રાફિક પોલીસકર્મીને પોતાનું વાહન છોડી દેવા માટે આજીજી કરવાનું શરૂ કર્યું. પરંતુ નિયમ પ્રમાણે કાર્યવાહી કરતા પોલીસે તેની વાત ન માની. ધીરી ધીરે તે ભાવુક થઈ ગઈ અને છેવટે તે પોક મુકીને રડવા લાગી, અને રડતા રડતા પોલીસને વિનંતી કરવા લાગી હતી, તેણે ક્રેઈનને રોકવાનો પણ પ્રયાસ કર્યો. જોકે, પોલીસકર્મીઓ પણ તેની આ સ્થિતિ જોઈને હસી પડ્યા. આસપાસના લોકો પણ આ રમુજી દ્રશ્ય જોઈને હસવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ તું પાકિસ્તાનનો માણસ છે.. તેવી ટકોર બાદ મારામારીના બનાવમાં સ્ટોર સંચાલક સહિત 12 પકડાયા
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો
આ ઘટનાનો વિડીયો કોઈએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરતા જ તે વાઈરલ થઈ ગયો છે. આ વિડીયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકો યુવતી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો હસી-મજાક કરી રહ્યા છે. તો કેટલાક લોકો પોલીસે દાખવેલી માનવતાને દાદ આપી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે, નહીં તો પાણીપુરીની મોજ પણ મોંઘી પડી શકે છે.