ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ
Image: DDNewsGujarati |
Raksha Bandhan: ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં રક્ષાબંધનને લઈને બહેન સરળતાથી ભાઈના ઘરે પહોંચી શકે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે ગુજરાતના બે મોટા શહેરોમાં બસ મુસાફરી મફત કરવામાં આવશે. બુધવારે (6 ઑગસ્ટે) AMC દ્વારા AMTSમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. એવામાં હવે અમદાવાદ અને સુરત BRTSમાં પણ મહિલાઓ માટે ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ
મહિલાઓ કરી શકશે મફત મુસાફરી
રક્ષાબંધનના તહેવારને આરામદાયક બનાવવા માટે અમદાવાદ અને સુરત BRTS બસમાં રક્ષાબંધનના દિવસે તમામ મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. જાહેરાત મુજબ, 9 ઑગસ્ટે સવારની પહેલી બસથી લઈને રાતની છેલ્લી બસ સુધી તમામ મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. આ માટે કોઈ ટિકિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે. જોકે, આ સુવિધા ફક્ત મહિલાઓ માટે છે, તેથી પરિવારના પુરુષ તેમજ બાળકોએ ટિકિટના નિયમાનુસાર નક્કી કરેલા પૈસા ચૂકવવાના રહેશે. જોકે, સુરતમાં 15 વર્ષ સુધીના બાળકોને પણ આ સુવિધાનો લાભ મળશે.
નોંધનીય છે કે, સુરતના 44 વિવિધ માર્ગો પર 378 સિટી બસ ચાલે છે, જે કુલ 452 કિલોમીટરનું નેટવર્ક કવર કરે છે. એવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સિટી બસને પણ રક્ષાબંધને નિમિત્તે બહેનો માટે ફ્રી કરવાની જાહેરાત કરી છે. એટલે કે, સુરત અને અમદાવાદમાં મહિલાઓ રક્ષાબંધનના દિવસે BRTS તેમજ સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે.