Get The App

ભાવનગરથી સુરત રૂ.5 કરોડથી વધુની કિંમતનું એમ્બરગ્રીસ વેચવા આવેલો શખ્સ ઝડપાયો

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરથી સુરત રૂ.5 કરોડથી વધુની કિંમતનું એમ્બરગ્રીસ વેચવા આવેલો શખ્સ ઝડપાયો 1 - image


Surat News: ગુજરાતમાં વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ)ના વેચાણની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ભાવનગરથી સુરત એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે 5.72 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કરી, આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરથી એક વ્યક્તિ એમ્બરગ્રીસ લઈને સુરતના વરાછા વેચવા જવાનો હોવાની સુરત શહેર SOG પોલીસને બાતમી મળી હતી. જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં વરાછા હીરાબાગ સર્કલ પાસેથી વિપુલ ભૂપતભાઈ બાંભણીયા (ઉં.વ.40) નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 5.720 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે તમામ 9 લોકોનું કર્યું રેસ્ક્યૂ

શું હોય છે વ્હેલની ઉલટી?

આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે. 

એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે. 

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી

આટલી મોંઘી કેમ?

આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માગ છે.

Tags :