વોશરુમ જવાની મંજૂરી માગતા ધો.6ના વિદ્યાર્થીને આચાર્યએ લાફા ઝીંક્યા, જામનગરની ચોંકાવનારી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar School and Students Incedents : જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 19માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવ પ્રવીણભાઈ પાંડાવદરાને વોશરૂમ જવાની મંજૂરી માંગવા બદલ શાળાના આચાર્ય રામભાઈ સોલંકીએ કાન પર બે લાફા ચોડી દીધા હતા. આ ગંભીર ઘટના બાદ બાળકને અસહ્ય દુખાવો ઉપડતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
લઘુશંકાની મંજૂરી માંગતા ગુસ્સે ભરાયા આચાર્ય
મળતી માહિતી મુજબ, ગઈકાલે શાળાના એક શિક્ષક રજા પર હોવાથી આચાર્ય રામભાઈ સોલંકી ક્લાસમાં અભ્યાસ કરાવી રહ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થીએ વોશરૂમ જવા માટે આચાર્યને ત્રણ વખત પૂછ્યું હતું, પરંતુ કોઈ જવાબ ન મળતાં તેણે આચાર્યનું ધ્યાન દોરવા તેમના ઘૂંટણ પર હાથ અડાડ્યો હતો. આ વાતથી ઉશ્કેરાઈ ગયેલા આચાર્યએ માસૂમ બાળકને કાન પર બે લાફા મારી દીધા હતા. ગભરાઈ ગયેલા બાળકે ઘરે કોઈને વાત ન કરી, પણ કાનમાં અસહ્ય દુખાવો થતાં આખરે પિતાને આપવીતી જણાવી હતી.
શિક્ષણ સમિતિના અધિકારીઓએ મીડિયાથી અંતર જાળવ્યું
આ ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિક અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સમગ્ર મામલે ઉહાપોહ થતાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીએ પત્રકારોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. હાલ આ મામલે સમાજ દ્વારા ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જવાબદાર આચાર્ય સામે તંત્ર કેવા પગલાં લેશે તેના પર સૌની નજર છે.









