'સુરતમાં 'તુર્કીવાડ' જેવા વિસ્તારોના નામ બદલો', સાંસદ મુકેશ દલાલના પત્રથી સર્જાયો નવો વિવાદ
Surat News: ભાજપ સરકાર શહેરથી લઈને વિસ્તારના નામકરણ માટે ચર્ચિત છે. એવામાં સુરતના કેટલાક વિસ્તારના નામકરણ કરવાની અપીલ કરવામાં આવી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં દુશ્મન દેશો સાથે જોડાયેલા વિસ્તારોના નામ બદલવા માટે વિનંતી કરી છે. સાથે જ રજૂઆત કરી છે કે, આવા વિસ્તારોની એક યાદી બનાવી એ તમામ નામો કાઢી નાંખી નવા, ઉચિત અને પ્રજાની લાગણી અને માંગણીને સંતોષે એવું નામકરણ ઝડપથી કરવામાં આવે. પરંતુ ભારતના શત્રુ દેશના નામથી ઓળખાતા વિસ્તારની યાદી બનાવી નામ બદલવાની માંગણી કરનારા સાંસદ મુકેશ દલાલ સતત પાંચ ટર્મ સ્થાયી અધ્યક્ષ હતા ત્યારે નામ બદલવાનું યાદ આવ્યું ન હતું.
સુરતના સાંસદે સુરત શહેરમાં તુર્કી વાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા વિસ્તારના નામ બદલવા માટે મ્યુનિ. કમિશ્નરને એક પત્ર લખ્યો છે. આ પત્ર સાથે જ એક વિવાદ ઉભો થયો છે. હાલ નામ બદલવાની માંગણી કરનારા સાંસદ પાલિકામાં એક-બે નહીં પરંતુ પાંચ ટર્મ સ્થાયી સમિતિ અધ્યક્ષ રહી ચૂક્યા છે તે સમયે પણ આ વિસ્તારના નામ આ જ હતા ત્યારે તેઓએ કોઈ કામગીરી કરી ન હતી પરંતુ સાંસદ બન્યા બાદ તેઓએ રજૂઆત કરી છે.
સુરતના સાંસદ મુકેશ દલાલે આ પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેરમાં તુર્કી વાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા વિસ્તારો છે આવા નામના વિસ્તારોની એક યાદી બનાવાવમા આવે અને તે તમામ નામ કાઢી નાંખી પ્રજાની માગણી પ્રમાણે ઉચિત રાષ્ટ્રવાદી નામથી નામકરણ કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવે. આવા પ્રકારના નામકરણ બિલકુલ પણ ચલાવી લેવામાં આવશે નહીં. આવા નામો દેશના વીર જવાનોનું અપમાન છે. સુરતીઓનું અપમાન છે.
સામાન્યતઃ શહેરોમાં ગલી, મોહલ્લા, મુખ્ય રસ્તાઓ કે બસ્તી ના નામકરણ પાછળ કોઈને કોઈ ઇતિહાસ હોય છે. આ નામકરણ જે તે વિસ્તારની ઐતિહાસિક, ભૌગોલિક કે સાંસ્કૃતિક ઓળખ બનતી હોય છે. રાષ્ટ્રના કે રાજ્યના કે શહેરના મહાપુરુષો કે જે તે વિસ્તારના સામાજિક-રાજકીય અગ્રણીઓ કે દેશના શહીદોના નામ પરથી નામકરણ થતા હોય છે. પરંતુ આજે દુઃખ અને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે સુરત શહેરના ઘણા વિસ્તારો એવા નામથી ઓળખાય છે જે ભારતના દુશ્મન દેશો છે તેને તાત્કાલિક બદલવા જરુરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી એકવાર યુવતી તરૂણને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગઇ, પોલીસે જલગાંવથી પકડી પાડ્યા
આ પણ વાંચોઃ અમદાવાદના વસ્ત્રાલમાં હિંસા મામલે ફરાર આરોપીનું ઘર તોડી પડાયું
મુકેશ દલાલના આ પત્રના કારણે વિવાદ ઉભો થયો છે. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન ભારતનો દુશ્મન દેશ છે અને આ નામો વર્ષોથી ચાવી આવતા નામ છે. પરંતુ જેઓએ હાલ નામ બદલવા માટે માંગણી કરી છે તે સાંસદ મુકેશ દલાલ નો રીપીટેશનમાં પહેલીવાર કોર્પોરેટર તરીકે ચુંટાયા હતા અને બીજી ટર્મમાં તેઓ સતત પાંચ વખત સ્થાયી સમિતિ અધ્યક્ષ રહી ચુક્યા છે તે વખતે પણ આ નામો હતા અને તે નામ બદલવાની કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ હાલમાં આ માંગણી બાદ તેઓએ પાંચ પાંચ ટર્મ સ્થાયી અધ્યક્ષ હતા ત્યારે કેમ કોઈ કામગીરી કરી નહીં તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સાંસદે પત્રમાં લખ્યું- 'સૈન્યએ આતંકવાદીઓની કત્લેઆમ કરી છે'
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી ત્યારબાદ પાકિસ્તાન ના હુમલા પછી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાના આ પરાક્રમ પછી સુરત સહિત સમગ્ર દેશમાં ભારતીય સેનાની બહાદુરીને બિરદાવવામાં આવી રહી છે અને તિરંગા યાત્રા નીકળી રહી છે. પરંતુ આજે સુરતના સાંસદે પાલિકા કમિશ્નરને એક પત્ર લખ્યો છે તેમાં ભારતીય સેનાએ આતંકવાદીઓની કત્લેઆમ કરી હોવાનો ઉલ્લેખ કરતા વિવાદ ઉભો થયો છે.
ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનની અંદર જઈને આતંકવાદીઓના તાલીમ કેમ્પ અને ઠેકાણા પર ડ્રોનથી હુમલો કરીને નેસ્ત નાબુદ કરી દીધા છે અને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. સુરતીઓ સહિત દેશના લોકોમાં ભારતીય સેનાની આ બહાદુરીને બિરદાવવામાં આવી રહી છે. પરંતુ આજે શહેરના વિવિધ વિસ્તારના દુશ્મન દેશ જેવા નામ બદલવા માટે જે પત્ર લખ્યો છે તેમાં સાંસદે દેશના વીર જવાનો સાહસ અને શૌર્ય બતાવી આતંકવાદીઓની કતલેઆમ કરતા હોય તેવો ઉલ્લેખ કરવામા આવ્યો છે. તેના કારણે વિવાદ ઉભો થયો છે.