અમદાવાદના વસ્ત્રાલમાં હિંસા મામલે ફરાર આરોપીનું ઘર તોડી પડાયું
Ahmedabad Demolition: અમદાવાદ મહાનગર પાલિકાએ શુક્રવારે (23 મે) વસ્ત્રાલ હિંસામાં ફરાર કુખ્યાત આરોપી પંકજ ભાવસારના ઘરને તોડી પાડ્યું છે. કામોલના સુમિન પાર્ક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દોઢ મહિના પહેલાં ઘર ખાલી કરવાની આપી હતી નોટિસ
આ વિશે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે, 'નગર પાલિકાએ દોઢ મહિના પહેલાં જ નોટિસ આપીને ગેરકાયદે બાંધકામ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, દોઢ મહિના બાદ પણ પરિવાર તરફથી નોટિસનું પાલન કરીને ઘર ખાલી ન કરતા અંતે AMC દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાંધકામ શહેરી વિકાસના ધારા ધોરણ વિરૂદ્ધ હોવાના કારણે તોડી પાડવામાં આવ્યું છે. સંપૂર્ણ કાર્યવાહી પોલીસ સુરક્ષા હેઠળ શાંતિપૂર્વક કરવામાં આવી રહી છે.'
આરોપી પંકજ ભાવસાર હજુ ફરાર
નોંધનીય છે કે, તંત્રની આ કાર્યવાહીને અસમાજિક તત્ત્વો અને જાહેરમાં હિંસા કરનારા વ્યક્તિઓ સામે કરવામાં આવતી આકરી કાર્યવાહીના રૂપે જોવામાં આવે છે. જોકે, ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે પોલીસ કાફલાની સંખ્યા વધારવામાં આવી હતી. જોકે, હજુ સુધી આરોપી પંકજ ભાવસાર પોલીક પકડથી બહાર છે. પોલીસ આ ફરાર આરોપીને શોધી રહી છે.