Video: હવે સુરતમાં ભાજપના કોર્પોરેટરની જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે ઉજવણી, પોલીસનું મૌન

Surat BJP Leader Birthday Celebration: રાજ્યમાં અનેકવાર અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં રોડ પર કેક કાપવી અને ફટાકડાં ફોડીને તાયફા કરતા વીડિયો સામે આવતા હોય છે. જોકે, ત્યારે રાજ્યની પોલીસ દ્વારા આવા તત્ત્વોને ઝડપી પાડવામાં આવે છે અને બિફોર, આફ્ટરના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી આરોપી પાસે માફી પણ મંગાવવામાં આવે છે. પરંતુ, હવે બર્થડે સેલિબ્રેશનમાં કરવામાં આવતા આ તાયફાઓનો વાયરસ ભાજપના નેતાઓને પણ લાગી ગયો છે. સુરતમાં ભાજપના એક નેતા દ્વારા આ જ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરી જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા પોતાના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
શું હતી ઘટના?
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે લિંબાયતના મુખ્ય જાહેર રોડ પર જ બર્થ-ડેની ભવ્ય ઉજવણી કરી હતી. ઉજવણી દરમિયાન રોડ પર રેડ કાર્પેટ બિછાવીને ગાડીમાંથી એન્ટ્રી કરવામાં આવી હતી અને જાહેર માર્ગ પર જ સ્ટેજ બનાવીને કેક કટ કરવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે, પોલીસ કમિશનરના જાહેરનામાનું સીધું ઉલ્લંઘન કરીને જાહેર માર્ગ પર જોખમી રીતે ધડાકાભેર આતશબાજી (ફટાકડા) કરવામાં આવી હતી. આ જાહેરનામું સ્પષ્ટ કરે છે કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં જન્મદિવસની ઉજવણીના નામે આતશબાજી કે માર્ગ અવરોધિત કરી શકે નહીં.
પોલીસની કામગીરીને લઈને નાગરિકોમાં રોષ
આટલો સ્પષ્ટ કાયદાનો ભંગ થયો હોવા છતાં પોલીસે આ મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી. શાસક પક્ષના નેતા સામે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાયદો ફક્ત સામાન્ય જનતા માટે જ છે કે કેમ, તેવા સવાલો ઉઠી રહ્યા છે.
કોર્પોરેટરની સ્પષ્ટતા
કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે પોતાના જન્મદિવસની ઉજવણી અને જાહેરનામાના ભંગ અંગેના આક્ષેપોને નકારી દીધા છે. તેમણે જણાવ્યું કે, 'મારો જન્મદિવસ 3 ઓક્ટોબરે હતો અને ઉજવણી જાહેર માર્ગ પર નહીં, પરંતુ મરાઠા ગ્રુપની માલિકીના એક ખાનગી પ્લોટમાં આયોજિત કરવામાં આવી હતી. આથી, જાહેરનામાનો ભંગ થયો નથી.'
જોકે, ઉજવણીના સ્થળે તેમની હાજરી અંગે તેમણે જણાવ્યું હતું કે, જો તેઓ કાર્યક્રમમાં હાજર ન રહ્યા હોત તો તેમના કાર્યકરો નારાજ થઈ જાત. આથી, માત્ર કાર્યકરોનો ઉત્સાહ અને લાગણી જાળવી રાખવા માટે તેમને આ ખાનગી જગ્યાએ આયોજિત કરાયેલી ઉજવણીમાં જવું પડ્યું હતું. કોર્પોરેટરે દાવો કર્યો હતો કે ઉજવણી ખાનગી પ્રોપર્ટીમાં થઈ હોવાથી કાયદાનું ઉલ્લંઘન થયું નથી.
ભાજપ નેતાએ આ પહેલાં પણ જાહેરમાં કરી હતી જન્મ દિવસની ઉજવણી
જોકે, આ પહેલીવાર નથી આ પહેલાં પણ સુરતના જ ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર 24ના ભાજપના પ્રમુખ પ્રકાશ ખેરનારની જન્મ દિવસની ઉજવણી વિવાદમાં આવી હતી. ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર જ ભાજપના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં તેમણે કેક કાપી હતી, જેના પર મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને ફોટા પડાવ્યા હતા. આટલું જ નહીં, કાર્યકરોએ નિયમોની ઐસીતૈસી કરીને જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરીને આખા રોડને જાણે બાનમાં લઈ લીધો હતો. જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ 'બિફોર-આફ્ટર'નો વીડિયો બનાવશે?
નોંધનીય છે કે, જો કોઈ સામાન્ય નાગરિક આ પ્રકારે નિયમોનો ભંગ કરી ઉજવણી કરે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરી 'બિફોર-આફ્ટર'નો વીડિયો બનાવે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. ત્યારે શું આ કિસ્સામાં પણ પોલીસ આવી જ કાર્યવાહી કરવાની હિંમત દાખવશે ખરી? જો પત્રકારો દ્વારા કોઈ સત્યને ઉજાગર કરવા જાહેરનામાંનું ઉલ્લંઘન થાય તો પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. એવામાં શું આ નેતાઓના તાયફા માટે જાહેરનામાંના થતાં ઉલ્લંઘન પર રાજ્યની પોલીસ એટલી જ સક્રિયતા સાથે કામગીરી કરશે? કે આ બધાં નિયમો ખાલી ગરીબ અને સામાન્ય પ્રજા માટે જ સીમિત છે?