સુરતમાં જાહેર રસ્તા પર ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો, શું પોલીસ કાર્યવાહી કરવાની હિંમત કરશે?

BJP Ward President Viral Video: સુરતમાં વધુ એકવાર રાજકીય નેતા દ્વારા જાહેર માર્ગો પર નિયમો નેવે મૂકીને ઉજવણી કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર 24ના ભાજપના પ્રમુખ પ્રકાશ ખેરનારની જન્મદિવસની ઉજવણીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ખેરનારે પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરીને પોલીસના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
નિયમોની ઐસીતૈસી
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર જ ભાજપના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં તેમણે કેક કાપી હતી, જેના પર મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને ફોટા પડાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ બે દિવસ વાહનો માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
આટલું જ નહીં, કાર્યકરોએ નિયમોની ઐસીતૈસી કરીને જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરીને આખા રોડને જાણે બાનમાં લઈ લીધો હતો. જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉજવણીનો વીડિયો વાયરલ
આ સમગ્ર ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જાહેર માર્ગને બ્લોક કરીને કેક કાપવામાં આવી રહી છે અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, જેનાથી ટ્રાફિકને અસર થઈ હતી. લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે સામાન્ય નાગરિકો પર કાયદાનો કડક અમલ થાય છે, ત્યારે રાજકીય પક્ષના નેતાઓને આ નિયમો લાગુ પડતા નથી? હવે જોવું રહ્યું કે પોલીસ આ મામલે ભાજપના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનાર વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ પાડવા બદલ કેવા પગલાં લે છે.
પોલીસ 'બિફોર-આફ્ટર'નો વીડિયો બનાવશે?
જો કોઈ સામાન્ય નાગરિક આ પ્રકારે નિયમોનો ભંગ કરી ઉજવણી કરે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરી 'બિફોર-આફ્ટર'નો વીડિયો બનાવે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. ત્યારે શું આ કિસ્સામાં પણ પોલીસ આવી જ કાર્યવાહી કરવાની હિંમત દાખવશે ખરી? તેવા સવાલ લોકો કરી રહ્યા છે.