જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

જામનગર જિલ્લાની રાજનીતિમાં ગઈ કાલે એક મોટો રાજકીય ધડાકો થયો છે.જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબભાઈ બારૈયા તથા સાત કોર્પોરેટરોએ ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તમામ લોકોએ કોંગ્રેસના સિદ્ધાંતો, લોકો માટેના વિચાર અને સર્વસમાવેશક વિકાસના વિઝનથી પ્રેરાઈ આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે.
આ જોડાણથી જામનગર જિલ્લામાં કોંગ્રેસને નવી ઉર્જા અને બળ મળશે. કોંગ્રેસ આવનાર સમયમાં જામનગરમાં એક મજબૂત વિકલ્પ નહીં, પણ એક મુખ્ય પક્ષ તરીકે ઉભરશે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા કક્ષાના નેતાઓએ આ જોડાણનું સ્વાગત કરતા જણાવ્યું કે આ ફક્ત રાજકીય પરિવર્તન નથી, પરંતુ લોકહિત અને વિકાસ ને સમર્પિત વિચાર ધારાનો વિજય છે.
જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં આ નવા જોડાણ સાથે હવે સંગઠન વધુ સશક્ત બનશે, અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ એક નવી શક્તિ તરીકે પ્રગટ થશે.
કોંગ્રેસમાં જોડાયેલા નગરપાલિકાના અન્ય ભાજપ સભ્યોમાં વલીમામદ મલેક , અસગર હુંદડા , જ્યોત્સ્નાબેન ગૌસ્વામી , રેશ્માબેન કુંગડા , મામદભાઈ કુંગડા , રોશનબેન સુંભણીયા અને ઝુબેદાબેન સુંભણીયાનો સમાવેશ થાય છે. તેમ જામનગર જિલ્લા કોંગ્રસ પ્રમુખ મનોજ કથીરિયાએ જણાવ્યું છે.
ગઈ કાલે અમદાવાદ રાજીવ ગાંધી ભવનમાં પ્રમુખ અમિતભાઈ ચાવડા ,ઉપરાંત લાલજીભાઈ દેસાઈ, મનીષભાઈ દોશી ની ઉપસ્થિતિમાં, જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથીરિયા, તાલુકા પ્રમુખ ઇકબાલભાઈ સુમરા અને યુવા કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ ગોહિલની આગેવાનીમાં અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ એ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કરી જોડાણ કર્યું હતું.