Get The App

'મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો', સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્યા પ્રહાર

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
'મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો', સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્યા પ્રહાર 1 - image

Gujarat Politics: નેતાઓની તાસીર જ એવી હોય છે કે કહે કઈંક અને કરે કઈંક, એમાં પણ ગુજરાત નેતાઓએ તડજોડ અને ગુલાંટબાજીની રાજકારણમાં પીએચડી મેળવી લીધી છે, એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ, ગઈ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ઈતિહાસની પહેલી બિનહરીફ બેઠકને સજાવીને આપનાર કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા નેતા નિલેશ કુંભાણી હવે ભાજપમાં બે હાથ અને ત્રીજું માથું નમાવીને જવાની તૈયારીમાં છે. 

કુંભાણી અને પાટીલની મુલાકાત

અમરેલીની એક તસવીર હાલ ગુજરાતના રાજકારણમાં ઉડીને આંખે વળગે એવી છે. રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ હાથમાં હાથ નાખીને મિત્રોની જેમ મુલાકાત કરતાં દેખાયા, હાલમાં જ અમરેલીના રાજુલામાં એક જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સીધા નિલેશ કુંભાણીની ફેક્ટરીએ પહોંચ્યા હતા, ચા-પાણીની આ મુલાકાતે ગત લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર નિલેશ કુંભાણી અને ભાજપે કરેલા ખેલને ઉઘાડો પાડી દીધો છે.

'મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો', સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્યા પ્રહાર 2 - image

કોંગ્રેસે કુંભાણીને કહ્યા ગદ્દાર

કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણીની આ મુલાકાત પર કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે, પ્રવક્તા મનીષ દોશીએ આરોપ કર્યો છે, કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર નિલેશ કુંભાણી હવે પાર્ટીને સર્ટિફિકેટ આપવાનું બંધ કરે.કુંભાણી ભાજપ અને સી.આર.પાટીલની લખેલી સ્ક્રિપ્ટ પર નાચી રહ્યા છે અને તેમની મજબૂરી તેમને મુબારક. સાથે કોંગ્રેસે સવાલ કર્યો કે ચૂંટણી સમયે થયેલી સોદાબાજી અંગે નિલેશ કુંભાણી કેમ જવાબ નથી આપતા? કુંભાણીએ અરીસામાં પોતાનો ચહેરો જોઈ મૂલ્યાંકન કરવાની જરૂર છે.

'મેં 2017નો બદલો લીધો હતો'

આ અંગે કુંભાણીને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે 2017માં આંદોલનકારીઓ બધા સાથે રહીને કોંગ્રેસ સાથે હતા. મને ટિકિટ કન્ફર્મ આપી હતી. 2017માં મે કાર્યાલય ખોલ્યું હતું અને ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો હતો. પણ છેલ્લી ઘડીએ મેન્ડેડ બીજું આવ્યું હતું, ત્યારે મેં પૂછ્યું હતું તો કહ્યું કે ફોર્મ ભરી દો અને મેં ફોર્મ ભરી દીધું ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી નાખ્યું, જેનો બદલો મેં લોકસભામાં લીધો.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સાથે કુંભાણીની આ મુલાકાત બાદ એ તો નક્કી થયું ગયું છે કે કુંભાણી હવે કમળ પકડવાની ફિરાકમાં છે. ભાજપમાં જોડાશો તેવા સવાલમાં તેમણે કહ્યું છે કે, 'વિચારીશું', આ શબ્દ પરથી તેમના અંદાજો લગાવી શકાય છે કે આવનાર વિધાનસભા ચૂંટણી પહેલા કુંભાણી કેસરિયા કરી શકે છે, જેની સીધી અસર  ખાસ કરીને પાટીદાર વૉટબેંક પર અને સુરતના રાજકારણમાં પડશે.