Get The App

બિટકોઈન ખંડણી કેસમાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ, સેશન્સ કોર્ટનો ચુકાદો

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
બિટકોઈન ખંડણી કેસમાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ, સેશન્સ કોર્ટનો ચુકાદો 1 - image


Bitcoin scam of Gujarat: સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે અમરેલીના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ, અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ સહિત 14 લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદો ગુજરાતમાં પોલીસ અને રાજકારણીઓની ગુનાખોરીમાં સંડોવણીનો એક મોટો પર્દાફાશ છે.

શું હતો કેસ?

વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાઈનાન્સ કંપનીમાં કરેલા બિટકોઈન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.

આ પણ વાંચોઃ જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ

આ કૌભાંડ બહાર આવતા કેસ સીઆઈડી ક્રાઈમને સોંપાયો હતો. સીઆઈડીએ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરાઈ હતી.

પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ભૂમિકા

આ સમગ્ર ઘટનામાં નલિન કોટડિયાની ભૂમિકા ‘ફિક્સર’ તરીકેની હોવાનો આરોપ હતો. આ કેસમાં તેમનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી ફરાર રહ્યા હતા. લાંબો સમય ફરાર રહ્યા બાદ CID ક્રાઈમે તેમના વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. આખરે મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી પોલીસે તેમને ઝડપી લીધા હતા. ત્યારબાદ કોર્ટમાં તેમના રિમાન્ડ ફણ મંજૂર કરાયા હતા. ત્યાર પછી મે 2019માં ગુજરાત હાઇકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. 

આ મુદ્દે શૈલેષ ભટ્ટે અપહરણ કરનાર પોલીસ કર્મચારીઓ અને પૂર્વ MLA નલિન કોટડિયા સામે CID ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસ આટલા સમયથી અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની ACBની ખાસ અદાલતમાં ચાલી રહ્યો હતો.

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા

શૈલેષ ભટ્ટ સામે પણ અપહરણ-ખંડણીની ફરિયાદ 

આ સમગ્ર ઘટના પહેલાં શૈલેષ ભટ્ટ સામે પણ અપહરણ અને ખંડણીનો આરોપ હતો. હકીકતમાં નોટબંધી બાદ સુરતની બીટ કનેક્ટ નામની કંપનીએ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાનું શરૂ કર્યુ હતું. બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ આ કંપનીની મદદથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. જો કે, આ કંપની બંધ થઈ જતા અનેકના પૈસા ડૂબી ગયા હતા. જેના કારણે શૈલેષ ભટ્ટે તેના મળતિયાઓની મદદથી બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને  કર્મચારીઓનું અપહરણ કરાવ્યું હતું. આ રીતે તેણે 2000થી વધુ બિટકોઇન, 11000થી વધુ લાઇટ કોઇન અને કરોડો રૂપિયા પડાવી લીધા હતા.

આ અંગે નલિન કટોડિયાને જાણ થતા તેમણે શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવવાની યોજના બનાવી હતી. આ યોજના હેઠળ જ તેમણે અમરેલીના તત્કાલીન એસપી સાથે સંડોવણી કરી શૈલેશ ભટ્ટનું અપહરણ કરાવ્યું હતું. આ લોકોએ શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ ઘટનામાં પોલીસ અધિકારી અનંત પટેલ અને તેમની ટીમે સરકારી વાહનોનો ઉપયોગ કર્યો હતો. આ મામલે શૈલેષ ભટ્ટે  ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 

Tags :