જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ
Jamnagar Police : જામનગર શહેર અને જિલ્લામાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, અને શહેરના અનેક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે, ત્યારે જામનગરના નવનિયુક્ત એસ.પી. ડો. રવિ મોહન સૈનિ કે જેઓ સુરક્ષાને લઈને સતત એક્શન મોડમાં રહે છે, જેઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા શહેરના ગણપતિ પાંડાલ, એસટી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, સહિતના જાહેર સ્થળો ઉપર પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન. ચૌધરીની સૂચનાથી પીએસઆઇ એસ.પી.ગોહિલ એન તથા એ.વી.ખેર ઉપરાંત એસ.ઓ.જી.ની સમગ્ર ટુકડી ડોગ હેંગલર સોયબભાઈ શમાની ટીમને સાથે રાખીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘૂમી હતી. ખાસ કરીને ગણપતિના મોટા પાંડાલ સહિતના વિસ્તારો, તેમજ સાત રસ્તા રીક્ષા સ્ટેન્ડ, એસટી સ્ટેન્ડ, સહિતના જાહેર વિસ્તારો, ઉપરાંત કેટલાક લારી ગલ્લા સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાયેલા હોય, તેવા આરોપીઓ પૈકી જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતા ગુલામ બીલાલ દલ, તથા હુસેન હસન અમલા વગેરેના રહેણાક મકાનની ઝડતી કરવામાં આવી હતી, અને ડોગ સ્કવોર્ડની મદદ લઇ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે સમગ્ર કાર્યવાહી દરમિયાન કશું વાંધાજનક મળ્યું ન હતું.