Get The App

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પાસે આગ લાગી, કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવાની પડી ફરજ

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પાસે આગ લાગી, કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવાની પડી ફરજ 1 - image


Surat Fire: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે (29 મે) બપોરે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, રનવે નજીક આવેલા ઘાસમાં આગ લાગી હતી. જોકે, આગની ઘટનાની જાણ થતાં જ તુરંત આગ ઓલવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગ સંપૂર્ણપણે ઓલવાય ત્યાં સુધી રનવે બંધ કરી દેવાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, ગુરુવારે બપોરે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેની પાસેના ઘાસમાં અચાનક આગ લાગી હતી. જેવી જ ઘટનાની જાણ થઈ કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા રનવે બંધ કરી દેવાયો અને તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગણતરીના સમયમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે માનહાનિ નોંધાઈ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે અમુક ફ્લાઇટ્સ અને હેલિકોપ્ટરની સેવા પ્રભાવિત થઈ હતી.

આ પણ વાંચોઃ સુરતના ઉધનામાં બેફામ દોડતી કચરાની ગાડીએ 13 વર્ષના કિશોરનો ભોગ લીધો, મેયરના તપાસના આદેશ

કેમ લાગી હતી આગ?

આ મામલે એરપોર્ટ ડિરેક્ટર આનંદ શર્માએ જણાવ્યું કે, લગભગ બપોરે 1:30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બર્ડ હિટથી બચવા માટે વપરાતી ગેસ ગનમાંથી નીકળેલા સ્પાર્કના કારણે આગ લાગી હતી. જોકે, આગ આગળ ન ફેલાય અને કોઈને નુકસાન ન પહોંચે તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લગભગ 2:45 વાગ્યા સુધી રનવે બંધ રાખવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ ડર્ટી હેરી તરીકે જાણીતા ગુજરાતી એજન્ટને 10 વર્ષની સજા

કઈ ફ્લાઇટ્સ થઈ પ્રભાવિત?

આગના કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-દિલ્હી ફ્લાઇટ રનવે પર હતી તેથી ટેક-ઓફ કરી શકી નહોતી. આ સિવાય હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું તેને હજીરા હેલિપૅડ ખાતે ડાયવર્ટ કરાયું હતું. તેમજ વેન્ચુરાની ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-હૈદરાબાદની ફ્લાઇટ પણ સુરત પહોંચી ગઈ હતી તેને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી અને બેંગલુરુ-સુરતની ફ્લાઇટને પણ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી.

Tags :