સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ભીમરાડ વિસ્તારમાં મંગળવારે (16 ડિસેમ્બર) મોડી રાત્રે એક પ્રોજેક્ટની કામગીરી દરમિયાન માટી ધસી પડી હતી. નિર્માણાધીન પ્રોજેક્ટમાં એક સાથે ત્રણ બેસમેન્ટની કામગીરી ચાલતી હતી જેમાં ડી-વોલને નુકશાન થતાં મોટા પ્રમાણમાં માટી ધસી પડી હતી. મોટા પ્રમાણમાં માટી ધસી પડતા બાજુના બે રહેણાંક બિલ્ડીંગને ખાલી કરાવવાની ફરજ પડી છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કિસ્સામાં પાલિકાએ રજા ચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આર્કિટેક્ટ, સ્ટ્રકચરલ ઈજનેર, સાઈડ સુપરવાઇઝરનું લાયસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કાયમ માટે લાયસન્સ સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે તે માટે કારણ દર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બની ધમકી, બાળકોને રજા અપાઈ, પોલીસ-ફાયર ઘટનાસ્થળે
પાલિકાએ આપી હતી નોટિસ
પાલિકાના અઠવા ઝોનમાં ટી.પી. સ્કીમ નં. 42(ભીમરાડ) ફા. પ્લોટ નં. 60 વાળી જમીનમાં બ્રાઈટસ્ટોન પ્રોજેકટસના ભાગીદારો દ્વારા રેસીડેન્સીયલ કમ કોમર્શિયલ બિલ્ડીંગ માટે મે 2025ના રોજ રજા ચિઠ્ઠી મેળવવામાં આવી હતી. આ બિલ્ડીંગની કામગીરી દરમિયાન પાલિકાએ ખોદાણ અને બાંધકામ માટે 29 મેના રોજ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ ડેવલપર- સહિત સંકળાયેલાએ 10 જૂનના રોજ બાંહેધરી આપી હતી. ત્યારબાદ 30 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી. આ બાંહેધરી છતાં પણ મંગળવારે (16 ડિસેમ્બર) રાત્રે પ્રોજેક્ટ માટે બનાવેલી ડી વોલ તથા બાજુની બિલ્ડીંગ ની કમ્પાઉન્ડ વોલ ધસી પડવાની ઘટના બની હતી.
મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગની કાર્યવાહી
આ ઘટના બાદ પાલિકાના શહેર વિકાસ વિભાગ તથા અઠવા ઝોનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા બ્રાઈટસ્ટોન પ્રોજેકટસ એક ભાગીદારી પેઢીના ભાગીદાર અને ડેવલપર તુષાર પોપટલાલ રીબડીયાને રજા ચિઠ્ઠી સ્થગિત કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સ્ટ્રકચરલ એન્જી. જલીલ એ.શેખ, આર્કિટેક્ટ સુરેશકુમાર બી.મોડીયા, સાઇટ સુપરવાઇઝર તેજસ જે. જસાણી ના લાયસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે સાથે આવી દુર્ઘટના માટે કાયમી ધોરણે કેમ સસ્પેન્ડ ન કરવા તે માટે કારણ દર્શક નોટિસ આપીને સાત દિવસમાં ખુલાસો રજુ કરવા જણાવ્યું છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સુરત પાલિકાના અઠવા ઝોનમાં ભીમરાડ વિસ્તારમાં બ્રાઈટસ્ટોન પ્રોજેકટ હેઠળ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ટી.પી. સ્કીમ નં. 42(ભીમરાડ) ફા. પ્લોટ નં. 60 વાળી જમીનમાં ચાલતા આ પ્રોજેક્ટમાં રેસીડેન્સીયલ કમ કોમર્શિયલ બિલ્ડીંગ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં એક સાથે ત્રણ બેઝમેન્ટના ખોદાણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પહેલા માટી ધસી ન પડે તે માટે ડી વોલ પણ બનાવવામાં આવી હતી. પરંતુ કામગીરી દરમિયાન કરવામાં આવેલી બેદરકારીને કારણે ગઈ કાલે મોડી રાત્રે અચાનક માટી ધસી પડી હતી. એક બાદ એક ત્રણેય બેઝમેન્ટમાં માટી ધસી પડવા સાથે ડી વોલ પણ તૂટી ગઈ હતી. આ ગંભીર બેદરકારીને કારણે બાજુમાં આવેલી શિવ રેસીડેન્સીને જોખમ ઊભું થયું હતું.

સ્થાનિકોમાં ભારે આક્રોશ
પાલિકા તંત્રને માટી ધસી પડવાની ઘટનામાં બાજુની બિલ્ડીંગને નુકસાન થાય તેવી ભીતિ જણાતા શિવ રેસીડેન્સીના બે ટાવર ખાલી કરાવ્યા છે. જોકે, આ ગંભીર બેદરકારીને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ
બિલ્ડર અને પાલિકાની મિલીભગત?
સ્થાનિકોનું કહેવું છે કે, પાલિકા અને બિલ્ડરની ગંભીર બેદરકારીનો ભોગ નિર્દોષ લોકોએ બન્યા છે. હજી પણ આ ઘટનામાં મોટી દુર્ઘટના થાય તેવો ડર છે. બિલ્ડર અને મહાનગરપાલિકાની મિલીભગતના કારણે આ દુર્ઘટના બની છે.
ઘટનાની જાણ થતા સુરત પાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ અને પાલિકાના અઠવા ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં છે. મધ્યસ્થ શહેર વિકાસ વિભાગે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ને નોટિસ ફટકારવા સાથે રજા ચિઠ્ઠી રદ કરવા માટે માટે કવાયત શરુ કરી છે જ્યારે ઝોન દ્વારા બાજુની બિલ્ડીંગને નુકસાન થાય તેમ હોવાથી બિલ્ડીંગ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી છે.








