Get The App

અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બની ધમકી, બાળકોને રજા અપાઈ, પોલીસ-ફાયર ઘટનાસ્થળે

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બની ધમકી, બાળકોને રજા અપાઈ, પોલીસ-ફાયર ઘટનાસ્થળે 1 - image


Ahmedabad School Bomb Threat News: અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે સવારે અમદાવાદની ઝેબર, મહારાજા અગ્રસેન અને ઝાયડસ, DAV ઇન્ટરનેશલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળતાં પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી.

આ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો 

ઝેબર સ્કૂલ, થલતેજ

મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ

DAV ઇન્ટરનેશલ સ્કૂલ, મકરબા

નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર

ઝાયડસ સ્કૂલ, વેજલપુર

CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ

આવિષ્કાર સ્કૂલ, કલોલ

જેમ્સ એન્ડ જેમિસન, ખોરજ-ખોડિયાર

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર

ડીપીએસ, બોપલ

તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયનના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ મુજબ આ બોમ્બ મૂક્યાની ધમકી બાબતે કોઈએ પ્રેંક કર્યો હોવાનું અનુમાન છે. આ કૃત્ય ભારત બહારથી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે અમે આ બાબતે ગુનો દાખલ કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં બોમ્બની ધમકી આપવામાં આવી છે, ત્યાં-ત્યાં પોલીસ અને બોમ્બસ્કોવડની ટીમો તપાસ કરી રહી છે. અત્યારે કોઈ જ પ્રકારની ચિંતા કરવા જેવું વાતાવરણ નથી. વાલીઓને પણ અમારા તરફથી અપીલ કરવામાં આવી છે કે ચિંતા કરશો નહીં બધું સેફ છે.

ઈમેલમાં ધમકી શું અપાઈ છે? 

સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઇમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી IP એડ્રેસ(Overseas IP) પરથી મોકલવામાં આવ્યા હતા. ઈમેલના વિષય(Subject)માં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઇરાદો સ્પષ્ટ દેખાતો હતો. 

સ્કૂલ વહીવટીતંત્રએ બાળકોને ત્વરિત છોડવાનો લીધો નિર્ણય 

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાંની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ(SOG) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઘરે રવાના કરાયા હતા અને શાળાનું પરિસર ખાલી કરાવાયું હતું. 

ડીએવી સ્કૂલના વાલીઓને ઑડિયો મેસેજ દ્વારા જાણ કરાઈ 

ડીએવી સ્કૂલને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને લેવા સ્કૂલે દોડી દોડીને આવી રહ્યા છે. વાલીઓ દ્વારા બાળકોને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. ડીએવી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા છતાં પોલીસની એક જ ગાડી છે, ફાયર કે બોમ્બ સ્કવોડની કોઈપણ ગાડી અહીં હજુ સુધી પહોંચી નથી.

ડીએવી સ્કૂલ દ્વારા વાલીઓને ઓડિયો મેસેજ કરીને જાણ કરવામાં આવી રહી છે કે તમારા બાળકોને એક કલાક પહેલાં છોડી રહ્યા છીએ તો લઈ જાવ. જોકે વાલીઓને સ્કૂલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકીભર્યો મેલ કર્યો હોવાની જાણ કરવામાં આવી ન હતી.  હાલ ડીએવી સ્કૂલના બાળકોને ગ્રાઉન્ડમાં બેસાડીને વાલીઓ લેવા આવે તે મુજબ નામ એનાઉન્સ કરીને બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.

બોમ્બ સ્કવોડ સ્કૂલોમાં

હાલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેલ મળી ચૂક્યા છે.

વેજલપુર PIના જણાવ્યા મુજબ, આજે સવારે ઈમેલ દ્વારા ઝાયડસ, ઝેબર, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ બોમ્બ સ્કવોડ, ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. આ ધમકી ભર્યો ઈમેલ કોના દ્વારા અને ક્યાંથી કરવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે.


Tags :