Get The App

ઘઉં-ચોખા, ડુંગળી-બટાકા સહિતની ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો, ગભરાવાની જરૂર નથી: ગુજરાત સરકાર

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
ઘઉં-ચોખા, ડુંગળી-બટાકા સહિતની ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો, ગભરાવાની જરૂર નથી: ગુજરાત સરકાર 1 - image


Sufficient Stock of Commodities : પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ વચ્ચે રાજ્યના જિલ્લાના વહીવટી તંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજ્યના સરહદી જિલ્લાના કલેક્ટર તેમના જિલ્લામાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે. 

સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા માલ મિલકતની સલામતિ સહિત જનજીવન રાબેતા મુજબ રહે તે માટે જિલ્લાતંત્રના આયોજનોની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બનાસકાંઠા, કચ્છ, પાટણ, જામનગર જેવા સરહદી જિલ્લાના વહીવટી વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

કોમ્યુનિકેશન નેટવર્ક સુનિશ્ચિત કરવા સૂચના અપાઇ

સરહદી જિલ્લામાં કોમ્યુનિકેશન નેટવર્ક જળવાઈ રહે અને લોકોને સમયે-સમયે સૂચનાઓ યોગ્ય રીતે પહોંચી શકે તે માટે સેટેલાઇટ ફોન, વાયરલેસ સિસ્ટમ, વોકીટોકીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ જિલ્લા અધિકારીઓને જણાવ્યું હતું. સરહદના ગામોમાં જરૂર પડ્યે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થઈ શકે તે માટે વિલેજ ઇવેક્યુએશન પ્લાન વધુ મજબૂત કેવી રીતે બનાવી શખાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સુરક્ષિત સ્થળે પણ તાત્કાલિક પહોંચી શકાય તેવા સ્થળો ઊભા કરવા અને સ્થળાંતર માટે પૂરતા વાહનોની વ્યવસ્થા કરવા પણ દિશાનિર્દેશ આપ્યા હતા. 

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતર્ક, સંગ્રહખોરો સામે થશે કાર્યવાહી

વિકટ સ્થિતિમાં સતર્ક રહેવા સૂચના

જો કોઇ વિકટ સ્થિતિ સમયે માર્ગોને નુકસાન થાય તો વાહન-વ્યવહારને અસર ન પહોંચે અને અસરગ્રસ્ત માર્ગો ત્વરાએ મોટરેબલ થઈ શકે તે માટે સરહદી જિલ્લા સહિત રાજ્યમાં માર્ગમકાન વિભાગની ટીમોને અદ્યતન સાધન-સામગ્રી અને પૂરતા મેનપાવર સાથે સતર્ક રહેવા સૂચના આપી હતી. આ બેઠકમાં સરકારના સંબંધિત અન્ય વિભાગોના વરિષ્ઠ સચિવો પાસેથી તેમના વિભાગોની હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી. 

ઘઉં, ચોખા, દાળ, ડુંગળી-બટાકાનો પુરતો પુરવઠો

38 જેટલી જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે માટે વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. તેમણે ઘઉં, ચોખા, દાળ, ડુંગળી-બટાકા જેવી રોજ-બ-રોજની ચીજ વસ્તુઓનો પુરતો પુરવઠો રાજ્યમાં છે. આ જથ્થાનો રોજબરોજનો સ્ટોક જિલ્લા તંત્ર દ્વારા અપડેટ કરવામાં આવે છે તેની વિગતો આપી હતી. પેટ્રોલ ડીઝલની પણ કોઈ તંગી ઉભી ન થાય તે માટે પેટ્રોલ કંપનીઓ સાથે સંકલન કરવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જીવનજરૂરી ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ જીવનજરૂરી ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કડક કાર્યવાહી જિલ્લા કલેક્ટરો દ્વારા કરવામાં આવશે.

આરોગ્યને લઇને કેવી છે તૈયારીઓ

સરહદી જિલ્લામાં અન્ય જિલ્લાના મેડિકલ સ્ટાફ, તબીબો પહોંચાડયાં છે એટલું જ નહિ, ભૂજ, જામનગર, પાટણ, બનાસકાંઠામાં વધારાની એમ્બ્યુલન્સ ફાળવી છે. લોહીની જરૂરિયાતના સમયે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યાં છે. રાજ્યના બધાં જ જિલ્લાના કલેક્ટરોને સતત સતર્ક રહીને રાજય સરકારના કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહેવા સૂચનાઓ આપી હતી. 




Tags :