Subhash Bridge Update: અમદાવાદના સુભાષ બ્રિજમાં રહેલી ક્ષતિઓ અને તિરાડોની તપાસ કરવા માટે IIT મુંબઈ, IIT દિલ્હી અને IIT રુડકીના નિષ્ણાતોની એક સંયુક્ત ટીમ અમદાવાદ પહોંચી છે. આ ટીમે બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી છે, જેમાં બ્રિજ પર પડેલી તિરાડોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, બ્રિજની મજબૂતી જાણવા માટે ટીમે તેના નીચેના હિસ્સામાં પણ સઘન તપાસ અને નિરીક્ષણ કર્યું છે. નિષ્ણાત એજન્સીઓ દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી બ્રિજની તપાસ પણ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના સાબરમતી નદી પરના સુભાષ બ્રિજના વચ્ચે આવેલા સ્પાનમાં ડિફેક્ટ જણાતા સલામતીને પ્રાથમિકતા આપતાં બ્રિજની બંને બાજુ હાર્ડ બેરિકેટિંગ કરીને જાહેર અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. સુભાષ બ્રિજની સ્થિતિ અંગે નિષ્ણાતો દ્વારા ડીટેઈલ ઇન્સપેક્શન કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિષ્ણાતોની પ્રાથમિક મુલાકાત દરમિયાન હયાત બ્રિજના ફાઉન્ડેશનના ટેસ્ટિંગનું કાર્ય શરૂ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 4 ડિસેમ્બરે 2025ના રોજ સુભાષ બ્રીજના સુપર સ્ટ્રકચરમાં નુકસાન જણાતા જાહેર સુરક્ષાના હિતમાં તાત્કાલિક અસરથી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના આર એન્ડ બી ડિઝાઇન સર્કલ તેમજ એમ-પેનલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ સાથે મળીને બ્રિજનું નિરીક્ષણ કાર્યું હતું. બ્રિજના વધુ ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ માટે નિષ્ણાત દ્વારા બ્રિજની હાલ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બર સુધી તેને વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


