કોસ્ટ એકાઉન્ટિંગ રિઝલ્ટ : દેશના ટોપ 10માં અમદાવાદનો વિદ્યાર્થી

અમદાવાદ સેન્ટરનું ફાઈનલનું રિઝલ્ટ 14.98 ટકા અને ઈન્ટરમિડિએટનું 21.27 ટકા
અમદાવાદ : ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા આજે કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટની ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં ફાઈનલ પરીક્ષામાં અમદાવાદનો વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા પાંચમો રેન્ક મેળવ્યો છે.
કોસ્ટ એકાઉન્ટિંગની ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષા ઈન્સ્ટિટયુટ દ્વારા ડિસેમ્બર 2021માં લેવાયુ હતી.જેનું આજે પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. ઈન્ટરમીડિએટમાં અમદાવાદમાંથી 395 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 84 વિદ્યાર્થી પાસ થતા 21.27 ટકા પરિણામ રહ્યુ છે જ્યારે ફાઈનલમાં 247 વિદ્યાર્થીમાં 37 પાસ થતા 14.98 ટકા પરિણામ રહ્યુ છે.
વેસ્ટર્ન રિઝિયનનું ઈન્ટરમીડિએટનુ 17.17 ટકા અને ફાઈનલનું 12.63 ટકા પરિણામ રહ્યુ છે. ડિસેમ્બર 2020ની પરીક્ષામા ઈન્ટરમીડિએટનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 46.68 ટકા અને ફાઈનલનું 41.48 ટકા પરિણામ રહ્યુ હતું.
કોસ્ટ એકાઉન્ટિંગની ફાઈનલ પરીક્ષામાં અમદાવાદના મેઘકુમાર રાકેશભાઈ શાહે 484 માર્કસ સાથે સમગ્ર દેશમાં પાંચમો રેન્ક મેળવ્યો છે અન્ય બે વિદ્યાર્થીએ 400થી વધુ માર્કસ મેળવ્યા છે જ્યારે ઈન્ટરમીડિએટમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ 400થી વધુ માર્કસ મેળવ્યા છે.




