Gujarat

દમણમાં થાર-ફોર્ચ્યુનર સહિતની કારમાલિકોની માફિયાગીરી-ભાઈગીરી સામે કડકાઈ, રેલી કાઢતા રાજકીય ગરમાવો

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
દમણમાં થાર, ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો કારના ચાલકોની ભાઈગીરી સામે પ્રશાસને કડક કાર્યવાહી કરી છે. પ્રશાસક પ્રફુલ પટેલની નારાજગી બાદ, પોલીસ અને આરટીઓ વિભાગે દમણના ટ્રાન્સપોર્ટ નગર ખાતે 100 થી વધુ કાર માલિકોને એકત્રિત કરી, જવાબદારીપૂર્વક વર્તવા અને કારમાં મોડિફિકેશન ન કરવા પ્રતિજ્ઞા લેવડાવી. કાળા કાચ અને સાઉન્ડ સિસ્ટમ જેવા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણમાં થાર-ફોર્ચ્યુનર સહિતની કારમાલિકોની માફિયાગીરી-ભાઈગીરી સામે કડકાઈ, રેલી કાઢતા રાજકીય ગરમાવો

Valsad News : કારના અમુક કારમાલિકો દ્વારા કરવામાં આવતી ભાઈગીરી અને માફિયાગીરી સામે સધાઈ વર્તવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા માફિયાગીરી નહીં, જવાબદારીના શીર્ષક હેઠળ થાર, ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો કારના ચાલકોને જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવા તેમજ કારમાં મોડિફિકેશન નહીં કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

સંઘપ્રદેશ દા.ન.હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસની રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહિત ઉદ્યોગસમુહ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરીયા અને મહા મંત્રી જીજ્ઞેશ પટેલ દ્વારા 100થી વધુ થાર, ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી કારના વિશાળ કાફલાની રેલી કાઢવામાં આવી હતી. જેને લઈ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા ભારે નારાજગી દર્શાવવામાં આવી હતી.

થોડા દિવસ અગાઉ પ્રશાસક પ્રફુલ પટેલે ખાનવેલમાં જાહેરમંચ પરથી આવા લોકોને માપમાં રહેવા કડક ચેતવણી આપી હતી. આમ છતાં પણ ભાજપના જ પ્રદેશ નેતાઓ દ્વારા કરવામાં આવેલી આ હરકતથી તેઓએ ભારે નારાજગી દર્શાવી હતી અને પોલીસ તેમજ આરટીઓ વિભાગને આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેને લઈ દમણમાં કાળા કાચ ધરાવતી ગાડીઓને પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી. આજે રીલ્સના ચક્કરમાં તેમજ પ્રદેશમાં માફિયાગીરી કે ભાઈગીરીને ડામવા પ્રશાસન દ્વારા ટ્રાન્સપોર્ટ નગર ખાતે થાર તેમજ ફોર્ચ્યુનર કારના માલિકોને માફિયાગીરી નહીં, જવાબદારી શીર્ષક હેઠળ એકત્રિત કરી જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ ઉપરાંત આરટીઓના તમામ નિયમો જેમ કે કાળા કાચ, સાઉન્ડ સિસ્ટમ જેવા મોડિફિકેશન કરનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. રીલ્સ બનાવવાના તેમજ લોકોમાં પ્રભાવ પાડવાના ચક્કરમાં ભાઈગીરી કરતાં લોકો સામે પ્રશાસને લીધેલા પગલાંની લોકો દ્વારા પ્રશંસા થઈ રહી છે.