Get The App

રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ 1 - image

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ડેડરવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં એક જ હડકાયા શ્વાને એક જ દિવસમાં બાળકો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર

એક જ શ્વાને 15થી વધુને નિશાન બનાવ્યા

મળતી માહિતી મુજબ, ડેડરવા ગામમાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત 15થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા.આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ ગ્રામજનોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો ત્યાં એન્ટી-રેબીઝની સારવાર આપવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનો એટલા ડરી ગયા છે કે, તેઓ હાલ ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે.

રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ 2 - image

આ પણ વાંચોઃ અમદાવાદ-બગોદરા હાઈવે પર 'સ્વચ્છતા અભિયાન'ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમાં

સ્થાનિકોએ ગ્રામ પંચાયત પર મૂક્યો બેદરકારીનો આરોપ

ગામમાં ફેલાયેલા આતંક વચ્ચે સ્થાનિક લોકોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનો સ્પષ્ટ આરોપ છે કે, ગામમાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો હોવા અંગે ગ્રામ પંચાયતને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં, શ્વાનને પકડવા કે તેનું રસીકરણ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

શ્વાનોના રસીકરણની માગ

ગામલોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માગણી કરી છે. તેમની મુખ્ય માગ છે કે, તાત્કાલિક અસરથી હડકાયા શ્વાનને પકડવામાં આવે. અને ગામના અન્ય શ્વાનનું રસીકરણ કરવામાં આવે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક પગલાં ભરે જેથી તેમને આ આતંકમાંથી મુક્તિ મળી શકે અને કોઈ મોટી કે ગંભીર જાનહાનિ ન થાય. જો વહીવટી તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો આંદોલન પણ કરી શકે છે.