Get The App

અમદાવાદ-બગોદરા હાઈવે પર 'સ્વચ્છતા અભિયાન'ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમાં

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ-બગોદરા હાઈવે પર 'સ્વચ્છતા અભિયાન'ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમાં 1 - image


Waste Dumped on Ahmedabad-Bagodara Highway: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી 'સ્વચ્છતા અભિયાન'ના દાવાઓ અમદાવાદ-બગોદરા હાઈવે પર નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હાઈવેની બંને બાજુઓ પર ઔદ્યોગિક એકમો દ્વારા આડેધડ રીતે કેમિકલયુક્ત વેસ્ટ કચરા, પ્લાસ્ટિક અને એઠવાડનું ગેરકાયદે ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓનું આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયું છે.

ગેરકાયદે ડમ્પિંગ અને ઝેરી પ્રદૂષણ

હાઈવે પર કચરો ફેંકવા ઉપરાંત, ચાગોદર, મોરેયા, રજોડા, બાવળા, કેરાળા અને બગોદરા જેવા વિસ્તારોની સરકારી પડતર જમીનોમાં પણ મોટા પાયે વેસ્ટનું ડમ્પિંગ થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ તેને સળગાવવામાં આવી રહ્યો છે. કેમિકલયુક્ત વેસ્ટના કારણે ભૂગર્ભ જળ અને જમીન દૂષિત થઈ રહ્યાં છે, જે લાંબા ગાળે ખેતી અને પીવાના પાણી માટે મોટું જોખમ છે. કચરો સળગાવવાથી પેદા થતો ઝેરી ધુમાડો હવામાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધારી રહ્યો છે, જે શ્વાસ સંબંધિત રોગોને આમંત્રણ આપી શકે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે સમગ્ર વિસ્તાર ગંદકીના ગંજમાં ફેરવાઈ ગયો છે.

તંત્રની બેદરકારી અને આદેશો માત્ર કાગળ પર

સ્થાનિક સત્તાવાળાઓની બેદરકારીને કારણે આ સમસ્યા વિકરાળ બની છે. અગાઉ ત્રણેક વર્ષ પૂર્વે મોરૈયા ખાતે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તલાટીઓ, સરપંચો અને કંપનીઓના હોદ્દેદારો સાથે બેઠક યોજીને વેસ્ટ ફેંકતા એકમો સામે કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા હતા. જો કે, તે અધિકારીની બદલી થતાં જ આ આદેશો માત્ર કાગળ પર રહી ગયા અને પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ છે.

આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

સામાજિક કાર્યકરની રજૂઆતો અવગણાઈ

બાવળાના સામાજિક કાર્યકર શ્રી પ્રફુલ મહેતા દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગાંધીનગર તેમજ કલેક્ટર કચેરી સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા આ જોખમી ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

તાત્કાલિક કડક પગલાંની માંગ

સ્થાનિકોની તાત્કાલિક માંગ છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઔદ્યોગિક એકમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવે. જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે, તો આ બેફામ વેસ્ટ ડમ્પિંગ આવનારા સમયમાં એક મોટી આરોગ્ય કટોકટી સર્જી શકે છે.

Tags :