સોમનાથ-દ્વારકા જવાનો પ્લાન હોય તેમના માટે ગુડ ન્યૂઝ, શ્રાવણ પહેલા ST બસ અંગે મોટી જાહેરાત
ST Bus Increased Bus During Sawan: બે દિવસ બાદ 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભોળાનાથને રિઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. જેને ધ્યાને લઈને શ્રદ્દાળુઓની સલામત સવારી અને સસ્તી મુસાફરી માટે એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 50 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી હાલ 513 બસનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ, શ્રાવણ મહિનાને ધ્યાને લઈને સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી વિભાગમાં 50 વધુ બસો દોડાવવામાં આવશે. જેનાથી મુસાફરોને ફાયદો થશે.
આ પણ વાંચોઃ ચૈતર વસાવા કેસ: AAPની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસાવાએ કહ્યું- ઈંટનો જવાબ પથ્થરથી આપીશ
ધાર્મિક સ્થળોએ જતી એસ.ટી બસોમાં વધારો
મળતી માહિતી મુજબ, રાજકોટ એસટી વિભાગ દ્વારા શ્રાવણ મહિનામાં રાજકોટથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, દ્વારકા તેમજ ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસ.ટી બસમાં વધારો કરવામાં આવશે. શ્રાવણના દર સોમવારે સોમનાથની એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત જન્માષ્ટમીને ધ્યાને રાખી દ્વારકા જતી એસટી બસોમાં પણ વધારો કરવામાં આવશે.
રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગરથી વધારાની બસ દોડાવાશે
રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આવે છે. જેમાં હાલ કુલ 500થી વધુ એસટી બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે શ્રાવણ દરમિયાન વધારાની 50 બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગરથી એક્સ્ટ્રા બસ તહેવારો દરમિયાન દોડાવવામાં આવશે. નોંધનીય છે કે, આ વધારાની બસોનું ભાડું એસટી વિભાગ દ્વારા સવા ગણું વસૂલવામાં આવે છે.
કેવી રીતે ટિકિટ બુક કરવી?
નોંધનીય છે કે, મુસાફરો માટે GSRTCમાં ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા પણ કરવામાં આવે છે. જે માટે www.gsrtc.in પર મુસાફરો ટિકિટ બુક કરાવી શકે છે. આ સાથે જ GSRTCની મોબાઇલ એપ્લિકેશનની મદદથી પણ ટિકિટ બુક કરાવી શકાશે. મુસાફરો માટે 60 દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે, જેથી લોકો અગાઉથી જ પોતાના પ્રવાસની સુવિધા કરી શકે.