Get The App

ચૈતર વસાવા કેસ: AAPની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસાવાએ કહ્યું- ઈંટનો જવાબ પથ્થરથી આપીશ

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
ચૈતર વસાવા કેસ: AAPની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસાવાએ કહ્યું- ઈંટનો જવાબ પથ્થરથી આપીશ 1 - image


Chaitar Vasava Case: દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના લાફાકાંડ કેસમાં નીચલી કોર્ટ અને સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ન આપતા 5 ઓગસ્ટે સુનાવણીની મુદત આપી છે. હવે ચૈતર વસાવાના જામીનનો મુદ્દો વધુ પેચીદો બની ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને સાત દિવસમાં મુક્ત કરવાની માગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ચૈતર વસાવાને જામીન નહીં મળે તો AAP કાર્યકરો જેલનો ઘેરાવો કરશે અને ઉગ્ર આંદોલન કરશે.

દેવેન્દ્ર વસાવાએ ભાજપ સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને તંત્રને ચેતવણી આડકતરી રીતે ચેતવણી આપતાં કહ્યું હતું કે 'શાનમાં સમજવું હોય તો અત્યારે પણ ટાઈમ છે. ચૈતરભાઇને દિન 7 માં છોડવા પડશે, નહીંતર ઉગ્ર આંદોલન કરીશું. આદિવાસી સમાજનો પરચો જોવા માટે તૈયારી રાખજો. જેલથી માંડીને કલેક્ટર સુધી ઘેરાવો કરીને અને અમારો પાવર બતાવીશું. 

આ પણ વાંચો: ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ

નોંધનીય છે કે, નર્મદાની જ્યુડિશિયલ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા બાદ તેઓ હાઈકોર્ટના શરણે ગયા હતા. AAP કાર્યકરોએ ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા પાછળ ભાજપ અને સાંસદ મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા છે.

‘મને છંછેડશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ’: મનસુખ વસાવાની ચૈતરના સમર્થકોને ચેતવણી

બીજી તરફ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના સમર્થકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, 'કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ્દ કર્યા છે. તેમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી.'

મનસુખ વસાવાએ આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડવાની સલાહ આપતા જણાવ્યું હતું કે, 'કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો. આક્ષેપ મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ ના કરશો. હું કોઈની સાથે દુશ્મનાવટ બાંધવામાં માનતો નથી.' તેમણે આદિવાસી સમાજના આગેવાનોને સમાજનું હિત ક્યાં છે તે અંગે મંથન કરવા પણ અપીલ કરી હતી.

Tags :