Get The App

પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી 1 - image


Surat Murder Case : સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડ ઉપર અઠવાડિયા અગાઉ રાહદારીને અજાણ્યા વાહન ચાલક દ્વારા કચડી નાંખવાના પ્રકરણની તપાસ અંતર્ગત સચિન પોલીસે અકસ્માત નહીં પરંતુ હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે જેને અકસ્માતમાં મૃત્યુ પામ્યાનું સમજી રહી હતી તે ટ્રક માલિકની સાથે ડ્રાઇવીંગ પણ કરતા કામરેજ-હલધરૂમાં રહેતા પરપ્રાંતિયએ દેવું વધી જતા અને લોનના હપ્તામાંથી છૂટકારો મેળવવા ટીવી સિરીયલ ઉપરથી પ્રેરણા લઇ રૂ. 2 લાખનો વીમો પકાવવા 10 વર્ષ જૂના મિત્રને ચિક્કાર દારૂ પીવડાવી બેભાન કર્યા બાદ પોતાના પહેરેલા કપડા અને મોબાઇલ તેના ખિસ્સામાં મુકી ઘટના સ્થળે લઇ જઇ રસ્તા ઉપર સુવડાવી અત્યંત ક્રૂરતા પૂર્વક મોંઢાના ભાગે બેથી ત્રણ વખત ટ્રક આગળ-પાછળ કરી ટાયરી ફેરવી ઓળખ નહીં થાય તે રીતે મોતને ઘાત ઉતાર્યાની ચોંકાવનારી હક્કીત બહાર આવી છે.

શહેરના છેવાડાના સણીયા-ખંભાસલા રોડ ઉપર ગત 14 જુલાઇના રોજ અજાણ્યા વાહન ચાલકે શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને કચડી નાંખ્યો હતો. અકસ્માત એટલી ગંભીર હદે થયો હતો કે મોંઢું આખું ચગદાય ગયું હતું અને ઓળખ કરવી પણ મુશકેલ હતી પરંતુ મૃતકના મોબાઇલ ફોન અને પહેરેલા કપડાના આધારે શીવકુમાર હોવાની ઓળખ થઇ હતી. સચિન પોલીસે જે તે વખત અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માત કરનાર વાહનને શોધવા માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું. આ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સીસીટીવીમાં કોઇ વાહન કે રાહદારી પસાર થયો હોય તેવું જણાયું ન હતું. 

બીજી તરફ પોલીસને બાતમી મળી હતી કે મૃતક યુવાન અગાઉ વડોદ વિસ્તારમાં રહેતો હતો અને એક યુવાન સાથે મોપેડ ઉપર જતા નજરે પડયો હતો. ઉપરાંત પોલીસ જયારે શીવના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની મીનાદેવી મિશ્રા (ઉ.વ. 35) ના ચહેરા ઉપર કોઇ અફસોસ ન હતો અને મારા પતિ એક્સિડન્ટમાં મરણ ગયા છે અને તેમની બે લાખ રૂપિયાનો એલઆઇસીનો વીમો છે તેના રૂપિયા મને મળશે કે કેમ ? એવું પુછતા પોલીસને શંકા ગઇ હતી. જેથી શીવ મોબાઇલમાં કેટલા સીમ વાપરતો હતો અને ટ્રકમાં જીપીએસ હતું કે કેમ ? વિગેરે બાબતે મીનાની પૂછપરછ કરતા બે સીમ હોવાનું અને ટ્રકમાં જીપીએસ હોવાનું જણાવ્યું હતું. 

જો કે મોબાઇલમાંથી એક સીમ મિસીંગ હતો અને તેનું લોકેશન તથા જીપીએસનું લોકેશન ટ્રેક કરતા બંનેમાં સામ્યતા જોવા મળી હતી. બીજી તરફ શીવ રહેણાંક હલધરૂથી મોપેડ લઇ કડોદરા-બારડોલી રોડ સ્થિત સર્વોત્તમ હોટલ નજીક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ખાતે ગયો હતો. જયાં ટ્રકમાં ડિઝલ ભરાવ્યા બાદ અજાણ્યાને બેસાડી કડોદરા ચાર રસ્તાથી પલસાણા ચાર રસ્તાથી ભાટિયા થઇ સણીયા-ખંભાસલા રોડ કે જયાં અકસ્માત થયો હતો ત્યાં સુધી શંકાસ્પદ જોવા મળ્યો હતો.  આ ઉપરાંત મિસીંગ મોબાઇલ નંબરના કોલ ડિટેઇલના આધારે પોલીસની ટીમે મહારાષ્ટ્રના પુણે ખાતે મોનુ ચંદ્રબલી ગૌતમને ત્યાં તપાસ કરતા શીવ ત્યાંથી જીવીત હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ગઇ હતી. 

પોલીસ શીવ અને મોનુને સુરત લઇ આવી પૂછપરછ કરતા શીવે કબૂલાત કરી હતી કે પોતે ટ્રક માલિક છે અને ટ્રક ડ્રાઇવીંગ પણ કરે છે. તાજેતરમાં બીજી ટ્રક લીધી હતી પરંતુ કામ નહીં મળતા હપ્તા ભરવાની તકલીફ પડતા રૂ. 2 લાખનું દેવું થઇ જતા 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ શીવપ્રસાદ પાલ એકલો રહેતો હોવાની તકનો ગેરલાભ ઉઠાવી મોપેડ ઉપર સર્વોત્તમ હોટલ નજીકના પેટ્રોલ પંપ ઉપર લઇ જઇ ચિક્કાર દારૂ પીવડાવી બેભાન જેવો કરી નાંખ્યો હતો. 

ત્યાર બાદ પોતાના કપડા દેવીપ્રસાદને પહેરાવી તેના ખિસ્સમાં પોતાનો મોબાઇલ ફોન તથા પર્સ મુકી દઇ ટ્રકમાં બેસાડી ઘટના સ્થળે લઇ જઇ પાછળના ટાયર નીચે સુવડાવી ઓળખ નહીં થાય તે માટે મોંઢા ઉપરથી બેથી ત્રણ વખત ટ્રક આગળ-પાછળ કરી ટાયર ફેરવી મોતને ઘાત ઉતાર્યો હતો. પોલીસે શીવ અને તેની પત્ની તથા મિત્ર મોનુની ધરપકડ કરી 25 જૂલાઇ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ એસીપી નિરવસિંહ ગોહિલ અને પીઆઇ પી.એન. વાઘેલા તથા પીએસઆઇ એન.કે. ડામોર અને તેમની ટીમે કરી હતી.

ઓળખ થાય નહીં તે માટે મોંઢા ઉપર બેથી ત્રણ વખત ટ્રકનું ટાયર ફેરવ્યું

દેવું વધી જતા પોતાનું અકસ્માતમાં મોત થયું છે એવું તરકટ રચનાર શીવકુમાર મિશ્રાએ મિત્ર દેવીપ્રસાદ પાલને ચિક્કાર દારૂ પીવડાવી બેભાન કરી નાંખ્યો હતો. ત્યાર બાદ પોતાના પહેરેલા કપડા દેવીપ્રસાદને પહેરાવ્યા અને મોબાઇલ પણ તેના ખિસ્સામાં મુકી દઇ ટ્રકમાં બેસાડી સણીયા-ખંભાસલા રોડ ઉપર લઇ ગયો હતો. જયાં ટ્રકમાંથી ઘસડીને ઉતાર્યા બાદ રોડ ઉપર સુવડાવી પાછળનું ટાયર બેથી ત્રણ વખત મોંઢા ઉપર ફેરવી કચડી નાંખ્યું હતું. જેથી મૃતક કોણ છે તેની ઓળખ થાય નહીં.

પત્નીને ફોન પર કહ્યું, અકસ્માતમાં મોતનો પ્લાન બનાવ્યો છે, મૃતદેહ સ્વીકારી લેજે બાદમાં વીમો પાકી જશે

સસુરાલ સિમર કા સિરીયલ જોય દેવું ભરપાઇ કરવા શીવકુમારે પોતાના મોતનું તરકટ રચવા દસ વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ પાલ ઉપર ટ્રક ચડાવી હત્યા કર્યા બાદ કડોદરા-બારડોલી રોડની સર્વોત્તમ હોટલ નજીક પેટ્રોલ પંપ ઉપર ગયો હતો. જયાં પોતાની ટ્રક પાર્ક કરી રીક્ષામાં બેસી ઉધના સ્ટેશન આવ્યો હતો. જયાં પ્લેટફોર્મ ટિકીટ લઇ બે કલાક રોકાયા બાદ 30 રૂપિયાની આખો દિવસ મુસાફરી કરી શકાય એવી બીઆરટીએસ બસની ટિકીટ લઇ ઉધના-સચિન રોડ ઉપર મુસાફરી કર્યા બાદ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે ઉતરી ગયો હતો. 

જયાંથી કી-પેડ વાળો ફોન ખરીદી બીજો જે સીમ હતો તે નાંખી પુણે રહેતા મિત્ર મોનુ ગૌતમને કોલ કરી પોતે અંજામ આપેલી ઘટનાની જાણ કરી પંદર દિવસ રોકાવા આવું છું એવું કહી સહારા દરવાજાથી લક્ઝરી બસમાં પુણે જવા નીકળ્યો હતો. દરમિયાનમાં મોનુને પુનઃ કોલ કરી પત્ની મીનાદેવી સાથે કોન્ફરન્સ કોલ ઉપર વાત કરાવાનું કહી પત્નીને કહ્યું હતું કે દેવું વધી જતા પોતાનું જ અકસ્માતમાં મોતનો પ્લાન બનાવ્યો છે. જેથી મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કાર કરી દેજે, ત્યાર બાદ વીમો પણ પાકી જશે અને ટ્રકની લોન પણ માફ થઇ જશે. હું થોડા દિવસોમાં પરત આવીશ અને આપણે બીજા શહેરમાં રહેવા ચાલ્યા જઇશું.

Tags :