અમદાવાદમાં પૂરપાટ દોડતી કારે આધેડ મહિલાને અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોના ધરણાં
Ahmedabad Madhupura Accident | અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માધુપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે 49 વર્ષીય એક આધેડ મહિલાને અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ તરીકે થઇ હતી જે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. જોકે આ ઘટનાને પગલે લોકો રોષે ભરાયેલા સફાઈ કામદારોએ ટ્રાફિકના કડક રીતે નિયમોનું પાલન અને પીડિતને ન્યાય અપાવવા કાર્યવાહીની માગ કરતા દેખાવો શરૂ કરી દીધા હતા.
આ પણ વાંચો :અમદાવાદના આંબાવાડીમાં એપાર્ટમેન્ટની પાણીની ટાંકી ધરાશાયી, 10થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા
વહેલી સવારે બની ઘટના
આ ઘટના વહેલી સવારે માધુપુરા નજીક આવેલા દરિયાપુર વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર નજીક બની હતી. મૃત્યુ પામનાર મહિલા ડાહીબેન તે સમયે મ્યુનિસિપાલિટીમાં તેમની ફરજના ભાગરૂપે હાજરી નોંધાવવા જઇ રહ્યા હતા. બીઆરટીએસમાંથી ક્રોસ થતી વખતે પૂરપાટ ઝડપે દોડતી કારે તેમને ટક્કર મારી હતી.
અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર ફરાર થયો હતો, પછી પકડાયો
ડાહીબેનને કારચાલકે એટલી ભયાનક રીતે ટક્કર મારી હતી કે જેના કારણે તેમને માથા, ગળા, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઇ હતી. ઘટનાસ્થળના દૃશ્યોમાં રસ્તા પર લોહી વહેતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જોકે પછીથી ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : લીવરની બીમારી મામલે ગુજરાત પાંચમા ક્રમે, દારૂનું સેવન-માંસાહાર પ્રાણઘાતક પુરવાર
રાહદારીઓએ ઈમરજન્સી સર્વિસને જાણ કરી
માહિતી અનુસાર રાહદારીઓએ ઘટનાસ્થળે ત્વરિત ભેગા થઇને 108 ઇમરજન્સી સર્વિસને કૉલ કરી બોલાવી હતી અને પીડિતને અસારવા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે ડૉક્ટરો તેમને બચાવી ના શક્યા. ડાહીબેનની દીકરી નિકિતા ચૌહાણે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ઓળખ શશાંક સંજય રાય તરીકે થઇ હતી. જે નરોડાનો રહેવાશી છે. પોલીસે ફરિયાદ બાદ તેની ધરપકડ કરી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.