લીવરની બીમારી મામલે ગુજરાત પાંચમા ક્રમે, દારૂનું સેવન-માંસાહાર પ્રાણઘાતક પુરવાર
Liver Disease in Gujarat: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) પ્રમાણે ગુજરાતમાં લીવર ડેમેજથી થતાં મૃત્યુ હવે માથું ઉંચકી રહ્યા છે. એક સમયે નહિવત્ ગણાતા લીવર સંબંધિત રોગો દ્વારા થતાં મૃત્યુદર હવે 4.2 ટકાએ પહોંચ્યો છે. ખાસ કરીને જે રાજ્યમાં દારૂબંધી ન હોય ત્યાં આ રોગનું પ્રમાણ વધુ હોય તે સમજી શકાય પરંતુ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે.
પુરૂષોમાં લીવર ડેમેજનું પ્રમાણ વધુ
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા 2012થી 2022 સુધી લીવર સંબંધિત થતાં મૃત્યુનો એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં મહિલા-પુરુષો અને રાજ્યવાર દેશમાં શું સ્થિતિ છે તે અંગે ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. મહિલાઓ કરતાં પુરુષોમાં લીવર સંબંધિત મૃત્યુનું પ્રમાણ સાડા ત્રણ ગણું છે. ડૉક્ટર્સ અને સંશોધકોના મતે પેટની સમસ્યાઓમાં સૌથી વધુ પ્રાણઘાતક સમસ્યા લીવર દ્વારા થાય છે અને તેને થતાં મોટા ભાગના મૃત્યુમાં દારૂનું સેવન અને માંસાહાર જવાબદાર ગણવામાં આવ્યા છે.
દારૂ અને માંસાહારના કારણે લીવર ડેમેજ
દસ વર્ષ પૂર્વે ગુજરાતમાં લીવર સંબંધિત મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું હતું તે હવે દેશના અગ્રગણ્ય દારૂ પીવાતા રાજ્યોની તુલનામાં આવવા લાગ્યું છે. સંશોધન પ્રમાણે 19 ટકા આલ્કોહોલનું સેવન કરતાં પુરુષોની સામે 1 ટકા મહિલાઓ આલ્કોહોલનું સેવન કરે છે જેના પરિણામે પુરુષોના મૃત્યુનું પ્રમાણ ત્રણ ગણું છે. જ્યાં ખોરાકની પરંપરામાં નૂડલ્સ છે અને મોમોઝ છે એવા રાજ્યમાં લીવરથી થતા મૃત્યુનું પ્રમાણ વધુ છે.
આ પણ વાંચોઃ ભારતમાં દર બીજી મહિલાને આયર્નની ઉણપ, જાણો મહિલાઓને શા માટે થાય છે આ સમસ્યા
એકલા ગુજરાતમાં લીવરને લગતાં રોગો વધુ
સિક્કિમમાં માંસાહાર અને દારૂના વધુ પડતાં સેવનના કારણે લીવરથી થતાં મૃત્યુનું પ્રમાણ 19.7 ટકા છે. એ પછી મિઝોરમમાં પણ એ જ પ્રકારની જીવનશૈલી હોવાથી લીવરથી થતાં મૃત્યુનું પ્રમાણ 17.9 ટકા છે. મણિપુરમાં 16.1 ટકા, મેઘાલયમાં 13.6 ટકા અને ગુજરાતમાં 4.2 ટકા મૃત્યુ લીવરના રોગોને કારણે થાય છે. આ સર્વેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એક તરફ બધાં જ પૂર્વીય રાજ્યો છે તો બીજી તરફ પશ્ચિમમાં એકલા ગુજરાતમાં ખાનપાન અને વ્યસનની ખોટી તાસીરનો ઉમેરો થતાં લીવરને લગતાં રોગોનું પ્રમાણ વધ્યું છે.
મૃત્યુ પામનારાઓનો સર્વે કરવામાં આવતાં મોટા ભાગના 45 થી 54 વર્ષના વયકક્ષાના લોકો છે અને બીજા ક્રમે 35થી 44ની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. આમ જ્યારે પુરુષની કમાવવાની અને જવાબદારીની જ્યારે ઉંમર હોય એવા સમયે જ લીવરના રોગો માથું ઉંચકતાં હોવાનું અને પ્રાણઘાતક બનતા હોવાના આંકડા સૂચવે છે.
રાજ્યવાર લીવર સંબંધિત બીમારીનું પ્રમાણ