Gujarat

રજિ. એ.ડી.ના બદલે સ્પીડ પોસ્ટ : પરંતુ ડિજિટલ યુગમાં પણ પોસ્ટકાર્ડ ચાલી ગયાં

By GS TEAM
8 Oct 20252 mins read
રજિ. એ.ડી.ના બદલે સ્પીડ પોસ્ટ : પરંતુ ડિજિટલ યુગમાં પણ પોસ્ટકાર્ડ ચાલી ગયાં

આજે વિશ્વ ટપાલ દિવસની ઉજવણી : જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં 6 મહિનામાં 4170 પાસપોર્ટ નીકળ્યા : ડિજિટલ યુગમાં પણ એક માસમાં 40,000 પોસ્ટ કાર્ડની ખપત

જૂનાગઢ, : આવતીકાલે વિશ્વ પોસ્ટ દિવસ છે. પોસ્ટ વિભાગની પ્રવૃત્તિ ડાક સેવાઓ પૂરતી જ મર્યાદિત રહી નથી, પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત છે. જૂનાગઢ ગાંધીગ્રામ મુખ્ય પોસ્ટ ઓફિસમાં એપ્રિલથી સપ્ટેમ્બર 6 માસમાં જ 4170 પાસપોર્ટ નીકળ્યા છે. વર્ષ 2022થી અત્યાર સુધીમાં વિદેશ જવા ઈચ્છુક 33,395 લોકોને પાસપોર્ટ કાઢી આપવામાં આવ્યા હતા. ડિજિટલ યુગ વચ્ચે સ્વદેશી અભિયાન પોસ્ટને ફળ્યું હતું. એક મહિનામાં 40,000 પોસ્ટ કાર્ડની પણ ખપત થઈ હતી.

એક સમયે વિવિધ વિસ્તારોમાં લગાવેલા લાલ ડબ્બાના આધારે પોસ્ટની સુવિધા પ્રચલિત હતી પરંતુ હવે પોસ્ટના ડબ્બા  વિસરાઈ ગયા છે. એકલદોકલ વિસ્તારમાં જોવા મળતા પોસ્ટના ડબ્બા શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે.

પોસ્ટ ઓફિસ પરંપરાગત ડાક સેવા પૂરી પાડવા હવે મર્યાદિત રહી નથી પરંતુ વિદેશી ઉડાન ભરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અગાઉ અમદાવાદ, રાજકોટ કક્ષાએ પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત હતું પરંતુ હવે પોસ્ટ  પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત છે. ડિજીટલ યુગમાં પણ ઈમોજીસ- એઆઈ- સ્ટીકરના ટ્રેન્ડ વચ્ચે  લોકલ ફોર વોકલ અભિયાન અન્વયે પોસ્ટ કાર્ડની પુષ્કળ માંગ રહી હતી. ઓગસ્ટ માસમાં ૧૩,૭૦૦ પોસ્ટ કાર્ડ મેળવવામાં આવ્યા હતા. જેની સરખામણીએ સપ્ટેમ્બર એક જ માસમાં ત્રણ ગણી વધી ૪૦ હજાર પોસ્ટકાર્ડ મેળવવામાં આવ્યા હતા. પોસ્ટ વિભાગ નવા સોફ્ટવેર અપડેટ બાદ ડિજિટલ થયું છે, અગાઉ બ્રિટિશ યુગથી ચાલતી રજીસ્ટર્ડ એડી પત્ર વ્યવહાર બંધ થતા ઇતિહાસ બની ગયો છે. તેના બદલે વધુ ખર્ચ કરીને સ્પીડ પોસ્ટ સુવિધા લેવાની ગ્રાહકોને ફરજ પડે છે. દર મહિને સરેરાશ 8થી 10,000 રજીસ્ટર એડી થતા હતા તેમાં ટપાલ મોકલનાર વ્યક્તિની ટપાલ  સરનામે પહોંચી જતી ત્યારબાદ સહી સાથે સ્લીપ પરત મળતી હતી. જોકે પોસ્ટ વિભાગના જણાવ્યા મુજબ સ્પીડ પોસ્ટ ઓટીપી આધારિત હોવાથી ડોક્યુમેન્ટ મેળવવામાં ગ્રાહકોને વધુ સરળતા થઈ રહી છે પરંતુ સ્પીડ પોસ્ટમાં અગાઉ રૂા.18 લેવામાં આવતા હતા તે વધારીને રૂા. 23 કરી દેવામાં આવ્યા છે. સરકારી હોવા છતાં પણ ડિજીટલ સુવિધાના નામે ગ્રાહકો પર વધારાનું ભારણ લગાવી દેવાયું છે. જોકે જૂની રજીસ્ટર્ડ એડી બંધ થયા બાદ પણ સ્પીડ પોસ્ટમાં પત્ર વ્યવહાર યથાવત હોવાનો દાવો થઈ રહ્યો છે.