સૌરાષ્ટ્રમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરતી આંતર-જિલ્લા ગેંગ ઝડપાઈ, 12 ચોરીના ભેદ ઉકેલાયા
Jamnagar Solar Wire Theft Gang Arrested: જામનગર સહિત સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર અને એલ્યુમિનિયમના વાયરની ચોરી કરતી એક આંતર-જિલ્લા ગેંગનો પર્દાફાશ થયો છે. જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ આ ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા હતા. સૌરાષ્ટ્ર પંથકમાં થયેલી 12 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. અન્ય પાંચ આરોપીઓને ફરાર જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
LCBની સક્રિયતા અને બાતમીનું પરિણામ
જામનગર LCBના પોલીસ દ્વારા જામનગર અને અન્ય જિલ્લાઓમાં સોલાર પ્લાન્ટમાંથી થતી વાયર ચોરીના વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી હતી. ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, LCBને બાતમી મળી હતી કે, જામનગર અને અન્ય જિલ્લાઓમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર અને એલ્યુમિનિયમના વાયર ચોરીને અંજામ આપનાર ઈસમો લાલપુર તાલુકાના ગોવાણા ગામ તરફથી અર્ટીગા કાર નંબર GJ 04 EA 2625 માં ચોરીનો વાયર લઈને આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ
બે આરોપીઓ ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબજે
આ બાતમીના આધારે LCBએ અર્ટીગા કારમાં સવાર બે ઈસમોને ઝડપી લીધા હતા અને કારમાંથી ચોરીના વાયર કબજે કર્યા હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ મહેશ મકવાણા અને કલ્પેશ ડાભી તરીકે થઈ છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 7,90,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે.
12 ચોરીઓની કબૂલાત અને ગુનાની મોડસ ઓપરેન્ડી
પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કુલ 12 જેટલા સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. ચોરીની મોડસ ઓપરેન્ડી અંગે જાણવા મળ્યું છે કે, તમામ આરોપીઓ ગુગલ મેપમાં સોલાર પ્લાન્ટવાળી જગ્યા સર્ચ કરતા હતા. ત્યારબાદ, તે સ્થળનો સરવે કર્યા પછી ગાડીમાં ત્યાં પહોંચી કટર મશીનથી કેબલ વાયરની ચોરી કરતા હતા.
ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમના અન્ય પાંચ સાગરીતોના નામ પણ સામે આવ્યા છે, જેમને ફરાર જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓમાં ગોપાલ વાઘેલા, અજય ડાભી, અલ્પેશ કોળી, ભરત વાઘેલા, લાલજી ચૌહાણનો સમાવેશ થાય છે.