આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે
Vadodara : વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની જર્જરિત હાલત અને તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર રૂપાપુરા ગામની પ્રાથમિક શાળા એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે તેને તોડી પાડવાની મંજૂરી પણ જિલ્લા પંચાયતે આપી દીધી છે, તેમ છતાં નવી શાળા ન બનતા બાળકો જીવના જોખમે શાળાની બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
છતમાંથી પોપડા ખરી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે
રૂપાપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિ અત્યંત દયનીય છે. શાળાની છતના પોપડા ખરી રહ્યા છે, લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે અને વાયરિંગ પણ બહાર નીકળી ગયું છે. ચોમાસામાં પાણી ટપકવાની ફરિયાદો પણ સામાન્ય બની ગઈ છે. આવી ભયાવહ સ્થિતિમાં બાળકોને ભણવું પડે તે કેટલું જોખમી છે તે સહેજે કલ્પી શકાય છે
ખતરામાં બાળકોનું ભવિષ્ય
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત અનેક પ્રાથમિક શાળાઓમાં પાણી ભરાઈ જવા, પાણી ટપકવા અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ન હોવા છતાં હજી પણ આવી જર્જરિત અવસ્થામાં છે. આના કારણે વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે.
તોડવાની મંજૂરી છતાં શાળા કેમ ચાલુ? ગ્રામજનો આંદોલનની ચીમકી
સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, રૂપાપુરા ગામની આ શાળાને તોડી પાડવા માટે ખુદ જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમ છતાં, આ શાળાને તોડવાને બદલે હજી પણ ચાલુ રાખવામાં આવી છે. શાળાની અંદર અભ્યાસ કરવો જોખમી હોવાથી બાળકો શાળાની બહાર ખુલ્લામાં બેસીને પોતાનો અભ્યાસ કરી રહ્યા છે.
ગામજનો દ્વારા આ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા તેમની વાતો સાંભળવામાં આવતી નથી. હવે ગામજનોએ તંત્રની ઉદાસીનતા સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેથી વહેલી તકે નવી શાળા બને અને બાળકો સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે.