Get The App

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથે બે પંજાબી શખ્સો ઝડપાયા

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથે બે પંજાબી શખ્સો ઝડપાયા 1 - image

Jamnagar Police : જામનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા માદક પદાર્થોના વેપાર વિરુદ્ધ મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામે તા.1 મે 2026ના સાંજે રામદૂતનગર વિસ્તારમાં મચ્છી માર્કેટ પાછળ આવેલા રવિવારી બજારના પટમાં દરોડો પાડતાં બે પંજાબી શખ્સોને હેરોઈન સહિતના જથ્થા સાથે રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં હરપાલસિંઘ સ્વર્ણસિંઘ (ઉંમર 30) અને રમનદીપસિંઘ સુલ્લાખાન (ઉંમર 28)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે અને હાલ મેઘપર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હતા.

પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ પોતાના વતન પંજાબમાંથી હેરોઈન, મોર્ફિન અને કોડીન જેવા માદક પદાર્થો પરમીટ વિના લાવી સ્થાનિક વિસ્તારમાં વેચાણ માટે સંગ્રહ કરતા હતા. એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આ ગેરકાયદેસર કારોબારનો ભાંડાફોડ કર્યો હતો.

જપ્ત કરાયેલ મુદામાલમાં અંદાજે 33 ગ્રામ માદક પદાર્થ હેરોઇન (કિંમત રૂ.6.60 લાખ), બે મોબાઇલ ફોન (રૂ.30,000), એક વજન કાંટો (રૂ.500) તથા રોકડ રૂ.3,100 મળી કુલ રૂ.6.93 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ માદક દ્રવ્યો અને માનસિક પ્રભાવકારક પદાર્થ અધિનિયમ હેઠળ કલમ 8(સી), 22(બી) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ માદક પદાર્થોના સપ્લાય ચેઇન તથા સંભવિત મોટા ગેંગ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.