Gujarat

ઉમરેઠના ભાલેજ ગામે બંધ મકાનમાંથી તસ્કરો 1.18 લાખની મતા ઉઠાવી ગયા

By GS Team
19 Feb 20201 min read
This article was originally published on 19 Feb 2020
ઉમરેઠના ભાલેજ ગામે બંધ મકાનમાંથી તસ્કરો 1.18 લાખની મતા ઉઠાવી ગયા

આણંદ,તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૂા.૧.૧૮ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની અમીના રેસીડેન્સીમાં ફિરોઝભાઈ અહેમદભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોઈ ગત તા.૧૪મી ફેબુ્રઆરીના રોજ તેઓ પોતાના મકાનને તાળુ મારી લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમ્યાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૂા.૧.૧૮ લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. 

સોમવારના રોજ ફિરોઝભાઈ ઠાકોર લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતા તેઓએ પોતાના મકાનના દરવાજાનું તાળુ તુટેલું જોતા ચોંકી ગયા હતા અને અંદર જઈ તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી તેઓએ ભાલેજ પોલીસ મથકને જાણ કરતા પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવ અંગે ભાલેજ પોલીસે ફિરોઝભાઈ અહેમદભાઈ ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત અને ર્ડાગસ્કવોર્ડની મદદ લઈ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.