પર્વતપાટિયાની સોસાયટીમાં વિશાળ દીપ રંગોળી કરી શિલાન્યાસ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસ નિમિત્તે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે ત્યારે રામ મંદિરની ઉજવણી માત્ર અયોધ્યામાં જ નહિં સુરતમાં પણ જોવા મળી હતી. સુરતની પર્વત પાટિયા વિસ્તારની સોસાયટીમાં શ્રીરામ શબ્દ અને મંદિરના ગુંબજ બનાવી 500 જેટલા દીવાની રંગોળી બનાવાઈ હતી.
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસને લઈને દેશભરના ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક રામ ભક્તો અયોધ્યા જઈ શક્યા નથી ત્યારે સુરતના રામભક્તો એ ભૂમિપૂજનનો ઉત્સવ મનાવવા માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો . પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી અક્ષરટાઉનશીપ સોસાયટીમાં શ્રી રામ શબ્દ અને મંદિરના ગુંબજ બનાવવામાં આવ્યા હતા. 20 બાય 25 ફૂટની સાઈઝમાં આ દીપરંગોળી મીનીએચર આર્ટિસ્ટ પવન શર્માએ બનાવી હતી . જેમાં 500 જેટલા દીવા શ્રી રામ શબ્દ અને મંદિરના ગુંબજમાં પ્રજ્વલિત કરાયા હતા. સોશિયલ ડિસ્ટનસિંગનું પૂરું ધ્યાન રાખીને આ ઉજવણી કરાઇ હતી. અયોધ્યા ન જઈ શકતા આ રીતે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પવન શર્મા દ્વારા પીપળાના પાન ઉપર ભગવાન શ્રીરામ, હનુમાન, લક્ષમણ વગેરેને પણ કંડારાયા છે.25 જેટલા લોકોના ગ્રુપે વોલેન્ટીરી સેવાઓ કરી આ આયોજન શક્ય બનાવ્યું હતું. જેથી મોટી સંખ્યામાં લોકો ભેગા પણ ન થાય અને લોકો પોતાના ઘરે રહીને પણ આ નજારો જોઈ શકે.




