Gujarat

મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ

By GS TEAM
16 Nov 20252 mins read
મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ

અમદાવાદ, રવિવાર

શહેરના મીરઝાપુરમાં આવેલા બે વર્ષ પહેલા મોહમદ બિલાલ બેલીમ નામના યુવકની છરીના ૪૦ જેટલા ઘા ઝીંકીને પિતા અને તેના ત્રણ પુત્રો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓએ સીસીટીવી ફુટેજમાં તે દેખાતા ન હોવાનું કારણ આપીને ડીસ્ચાર્જ અરજી સશન્સ કોર્ટમાં દાખલ કરી હતી.  પરંતુ,  સાંયોગિક પુરાવા તેમજ સાક્ષીઓના નિવેદનને આધારે કોર્ટે ડીસ્ચાર્જ અરજીને નકારી હતી.

મીરઝાપુરમાં રહેતા કરીમખાન પઠાણ તેના પુત્ર વસીમખાન, અબ્દુલખાન અને મોહસીનખાન પઠાણે સાથે મળીને ધંધાકીય અદાવતમાં મોહંમદ બિલાલ બેલીમ પર છરીથી હુમલો કરીને ૪૦થી વધુ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા વસીમખાન પઠાણ અને  અબ્દુલકરીમ પઠાણ નામના બે ભાઇઓ ડીસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેમાં કારણ આપ્યું હતુ કે  પોલીસે પુરાવાના ભાગરૂપે લીધેલા સીસીટીવી ફુટેજમાં આરોપીઓ દેખાતા નથી. જેથી તેમને આ કેસમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવે. પરંતુ, સરકારી વકીલે દલીલ કરી હતી કે માત્ર સીસીટીવી ફુટેજમાં આરોપી ન દેખાય તો તેમની ભૂમિકા ગુનામા ન હોવાનું માની ન શકાય. તેમજ અન્ય સાક્ષીઓના નિવેદનોમાં ઉલ્લેખ છે કે કરીમખાન અને તેમના પુત્રોએ કાવતરૂ ઘડયુ તે અંગે સાક્ષી છે અને સ્થળ પર આરોપીઓને નજરે જોનારા સાક્ષીઓ છે. તેમના નિવેદન સીસીટીવી ફુટેજના પુરાવા જેટલા મહત્વના છે. 

આ તમામ દલીલોના આધારે સિટી સિવીલ એન્ડ સેશન્સ કોર્ટે વસીમખાન અને અબ્દુલકરીમની ડીસ્ચાર્જને નકારી હતી. આ કેસમાં આગામી સમયમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવનાર છે.