Get The App

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો 1 - image

Saputara Monsoon Festival 2025: ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં કુદરતી વાતાવરણ માણવા આવે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025થી 17 ઑગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.   

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો 2 - image

આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025નો 26 જુલાઈએ રંગેચંગે પ્રારંભ થશે અને સાપુતારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ દ્વારા જીવંત બની જશે. આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે. 


સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો 3 - image

આ પણ વાંચોઃ ગાંધીનગરના રાંદેસણ નજીક કાળ બની કાર, એક મહિલા સહિત 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો 4 - image

ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે

ગિરિમથક સાપુતારામાં આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ખાસિયત એ છે કે, પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરાગત ભોજન, રહેણી કરણી, નૃત્ય કળાની ઝલક તો જોવા મળે છે, આ સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે. સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં આ વર્ષે પહેલીવાર એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 13 રાજ્યો-ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રોપ્સ સાથે જીવંત લોક પરંપરાઓ રજૂ કરશે. તેમજ આ વર્ષે રેઇન ડાન્સ અને નેચર વૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરુ કરવામાં આવી છે.


વિવિધ શાસ્ત્રીય કળા અને લોક પરંપરાઓને નિહાળવાની તક

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં આયોજિત "ગ્રાન્ડ ક્લાસિકલ અને લોક પ્રદર્શન"માં 13 રાજ્યોના 80થી વધુ કલાકારો પોતાની શાસ્ત્રીય અને લોક પરંપરાઓ દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કરશે. મોનસૂન ફેસ્ટિવલના અન્ય મુખ્ય આકર્ષણોમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા જેવા પ્રખ્યાત ગુજરાતી કલાકારો ઉપરાંત કેરળનું પ્રખ્યાત થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બૅન્ડ પણ પર્ફોર્મન્સ રજૂ કરશે. એટલું જ નહીં, પ્રવાસીઓને સાપુતારામાં ટેબ્લો શૉ જોવા મળશે. આ સિવાય સન્ડે સાઇક્લોથોન, દહીં હાંડી સ્પર્ધા સાથે જન્માષ્ટમીની ઉજવણી તેમજ સ્વતંત્રતા દિવસે આયોજિત મિનિ મૅરથોન વગેરે કાર્યક્રમો સાંસ્કૃતિક અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે.

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો 5 - image 

આ પણ વાંચોઃ ન તો નોકરી, ન પગાર છતાં 5.50 કરોડની લોન આપી.... દાહોદ SBIમાં કૌભાંડ, 18 આરોપીની ધરપકડ

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો 6 - image

સ્થાનિકોને થશે આર્થિક લાભ

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે, જેથી જીવન સ્તરમાં સુધારો થયો છે. સાપુતારા આવતા પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. આ વખતે ફેસ્ટિવલ અંતર્ગત સાપુતારા મેઇન સર્કલ, ગવર્નર હિલ અને સાપુતારા લેક બોટ ક્લબ ખાતે સ્થાનિક કલાકારો દ્વારા દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સિવાય મેઇન ડોમ ઇવેન્ટ્સ એરિયામાં ટ્રાઇબલ ફૂડ ફેસ્ટિવલ, ટ્રાઇબલ ટેટૂ વર્કશોપ, ટ્રાઇબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ, વરલી પેઇન્ટિંગ વર્કશોપ, લોક સંગીત, મૅજિક શૉ વગેરે પ્રવૃત્તિઓ પ્રવાસીઓનો અનુભવ યાદગાર બનાવશે.

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો 7 - image

ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો

સાપુતારાનું આહ્લાદક વાતાવરણ અને કુદરતી સૌંદર્ય હંમેશાથી પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ફળશ્રુતિરૂપે ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 2022માં સાપુતારા આવનારા લોકોની સંખ્યા 8.16 લાખ હતી, જે 2023 અને 2024મા અનુક્રમે 11.13 લાખ અને 11.67 લાખ નોંધાઈ હતી. ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની વાત કરીએ, તો 2022માં 10.40 લાખ, 2023માં 22.40 લાખ અને 2024માં 26.91 લાખ જેટલા લોકોએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારે માળખાગત વિકાસ, વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોના આયોજન અને આદિજાતિ વિકાસ માટેની યોજનાઓના અમલીકરણ દ્વારા ડાંગ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન નકશા પર સ્થાન અપાવ્યું છે.