Get The App

ન તો નોકરી, ન પગાર છતાં 5.50 કરોડની લોન આપી.... દાહોદની SBIમાં કૌભાંડ, 18 આરોપીની ધરપકડ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ન તો નોકરી, ન પગાર છતાં 5.50 કરોડની લોન આપી.... દાહોદની SBIમાં કૌભાંડ, 18 આરોપીની ધરપકડ 1 - image


SBI Loan Scam: ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલી એસબીઆઈમાં મોટુ લોન કૌભાંડ થયુ છે. દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની દાહોદની બે બ્રાન્ચે લોન માટે લાયકાત પણ ન ધરાવતા લોકોને રૂ. 5.50 કરોડની લોન ફાળવી હોવાનો ખુલાસો થયો છે. બેન્કના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં બ્રાન્ચ મેનેજરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પૂર્વ બેન્ક મેનેજર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે જણાવ્યું હતું કે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બે જુદી-જુદી શાખાના એજન્ટ્સે બેન્કના પૂર્વ મેનેજર સાથે મળી નકલી સેલેરી સ્લિપ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી બેન્ક પાસેથી રૂ. 5.50 કરોડની લોન લીધી હતી.

ન નોકરી, ન સેલેરી, તો પણ આપી લોન

અમુક રેલવે કર્મચારીના પગાર ઓછા હોવા છતાં નકલી સેલેરી સ્લિપ બનાવી આંકડો વધારીને દર્શાવવામાં આવ્યો હતો. તેમજ અમુક લોકો પાસે તો નોકરી પણ ન હતી, તેમ છતાં તેમને સરકારી ડ્રાઈવર, શિક્ષકના નકલી દસ્તાવેજ તથા સેલેરી સ્લિપ બનાવી લોન  અપાવી હતી. આ મામલે બેન્ક મેનેજર તરફથી ફરિયાદ નોંધાતાં પોલીસે બેન્ક મેનેજર્સ અને એજન્ટ્સ સહિત 30 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. બંને શાખાના પૂર્વ મેનેજર, બે એજન્ટ અને લોનધારકો સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

2021-2024 દરમિયાન થયું હતું કૌભાંડ

આ કૌભાંડ 2021-2024 દરમિયાન એસબીઆઈના ચીફ બ્રાન્ચ મેનેજર ગુરમીત સિંહ બેદીએ સંજય ડામોર અને ફઈમ શેખ સાથે મળીને આચર્યું હતું. તેમણે પોતાના પદનો દુરૂપયોગ કરી બેન્કના નિયમોનો ભંગ કર્યો હતો. રેલવેમાં ક્લાસ-4માં કાર્યરત રેલવે કર્મચારીઓનો પગાર ઓછો હોવા છતાં કમિશન પર ઊંચો પગાર દર્શાવી રૂ. 4.75 કરોડની લોન લીધી હતી.

આ પણ વાંચોઃ ગાંધીનગરના રાંદેસણ નજીક કાળ બની કાર, અનેકને કચડ્યા, એક મહિલા સહિત 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી આપી લોન

જીએલકે ટાવરમાં સંચાલિત એસબીઆઈની બીજી શાખાના મેનેજર મનિષ ગવલેએ બે એજન્ટ સાથે મળી આશરે 10 લોકોના નકલી ડોક્યુમેન્ટ્સ, સેલેરી સ્લિપ બનાવી રૂ. 82.72 લાખની લોન મંજૂર કરી હતી. નકલી ડોક્યુમેન્ટ્સમાં લોનધારકને ગુજરાત પરિવહન નિગમના કર્મચારી  અને સરકારી શિક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. આ લોન કૌભાંડમાં બેન્ક મેનેજર અને બે એજન્ટે નિયમોની  અવગણના કરી લોન આપી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ રીતે ચાલતું હતું રેકેટ

પોલીસે જણાવ્યા પ્રમાણે, સંજય ડામોર અને ફઈમ શેખ એજન્ટ બની બેન્કમાં લોન લેવા આવનારા લોકોની શોધમાં રહેતાં. તેમને બેન્કની બહાર ઝડપી લોન અપાવવાનું વચન આપતાં હતાં. જેમાં તેમની સેલેરી સ્લિપ મેળવી તેમાં ફેરફારો કરી લોન મંજૂર કરાવતાં હતાં. ત્યારબાદ લોન લેનારી વ્યક્તિ પાસેથી કમિશન પેટે મોટી રકમ વસૂલતા હતાં. જેનો એક હિસ્સો બેન્ક મેનેજરને મોકલવામાં આવતો હતો. બંને એજન્ટ બેન્ક મેનેજર સાથે મળી આ રેકેટ ચલાવતા હતાં.

ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો

આ લોન કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જેમાં લોનધારકોની નકલી સેલેરી સ્લિપ બતાવી લોન લેવામાં આવતી હતી. તેઓ સમયસર લોનના હપ્તા પણ ચૂકવી રહ્યા હતાં. પરંતુ ગેરકાયદે લીધેલી લોનના ગ્રાહકો ત્રણ-ચાર હપ્તા ચૂકી જતાં ખાતા એનપીએ થયા હતાં. ત્યારબાદ જૂન, 2024માં ઓડિટ રિપોર્ટમાં આ કૌભાંડનો ખુલાસો થયો હતો.

ન તો નોકરી, ન પગાર છતાં 5.50 કરોડની લોન આપી.... દાહોદની SBIમાં કૌભાંડ, 18 આરોપીની ધરપકડ 2 - image

Tags :