ગાંધીનગરના રાંદેસણ નજીક કાળ બની કાર, એક મહિલા સહિત 2ના મોત, 3 ઇજાગ્રસ્ત
Gandhinagar Hit And Run: ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે,મૃતકની ઓળખ હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56) અને નીતિનભાઈ પ્રતાપભાઈ વસા (ઉં.વ.63) તરીકે થઇ છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત કામિનીબેન વિપિનભાઈ ઓઝા (ઉં.વ.65) સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યારે વિપિનભાઈ ઓઝા (ઉં.વ.75) અને મયૂરભાઈ જોષી (ઉં.વ.34) SMVSમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર કાર નંબર GJ-18-EE-7887 હિતેશ પટેલના નામે ગાડીનું રજિસ્ટ્રેશન થયેલું હોવાનું જાણવા મળ્યું છે.
મેયરે આ વિશે વાત કરતા કહ્યું કે, ઘટનાની જાણ થતાં હું ઘટનાસ્થળે પહોંચી હતી. હું પહોંચી ત્યાં સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. જોકે બે લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.' ગાંધીનગર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રવિ તેજાના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કારચાલકની ઓળખ પણ હિતેશ પટેલ તરીકે થઇ છે જે ખુદ કારનો માલિક હતો.