For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તીસ્તા સામે શેની તપાસ થશે ?

Updated: Jun 25th, 2022

સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તીસ્તા સામે શેની તપાસ થશે ?

 સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પોલીસ રેકર્ડ અને SITના અહેવાલના આધારે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી

અમદાવાદ તા. ૨૫

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે IPS અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર સામે તેમજ સોશિયલ એક્ટીવીસ્ટ તીસ્તા સેતલવાડ સામે સુપ્રીમ કોર્ટે કરેલા અવલોકનના આધારે ફરિયાદ દાખલ કરી છે. સંજીવ ભટ્ટ એક કસ્ટોડીયલ ડેથ કેસમાં જેલમાં છે, રમખાણ સમયે આમર્ડ ફોર્સના એડીશનલ ડીજીપીન રહેલા આર બી શ્રીકુમાર નિવૃત્ત છે ત્યારે સેતલવાડ મુંબઈ ખાતે રહે છે. પોલીસે સેતલવાડની મુંબઈમાં અટકાયત કરી તેને અમદાવાદ લાવવા પ્રયાસ શરુ કર્યા છે જયારે શ્રીકુમારની પૂછપરછ ચાલી રહી છે. 

સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી તે શું છે?

ઝાકિયા જાફરીએ ગુજરાતમાં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા રમખાણો એક પૂર્વયોજિત કાવતરું હતું એવો આક્ષેપ મુખ્યો હતો અને આ રમખાણ માટે ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ જવાબદાર હતા તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, તપાસ થવી જોઈએ એવો આક્ષેપ પણ કર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે નીમેલી SITમાં નરેન્દ્ર મોદી અને અન્યોને ક્લીન ચીટ મળ્યાથી નીચલી અદાલતથી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈ ૧૬ વર્ષથી ચાલી રહી છે. 

સુપ્રીમ કોર્ટે શુકવારે આપેલા ચુકાદામાં નોંધ્યું છે, “આ કેસ સતત ચાલતો રહે અને ચરુ ઉકળતો રહે તેવો પ્રયાસ લાગે છે. કોઈએ મલિન ઈરાદાથી આ કૃત્ય કર્યું હોય એવું લાગે છે. ગુજરાત સરકારના અધિકારીઓએ જે રીતે નિવેદન કરી સનસનાટી ફેલાવવા, એવી કેટલીક બાબતો રજૂ કરી જે નકલી કે ખોટી છે એવું પોતે જાણતા હતા. આવા અધિકારીઓ સામે, કાયદાની પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવવા માટે કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ.” આ નોંધને આધાર બનાવી ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે. 

ફરિયાદમાં ગુજરાત પોલીસ પાસે ઉપલબ્ધ વિવિધ કેસ, અધિકારીઓના નિવેદન, SITનો અહેવાલ અને અન્ય તથ્યો પણ જોવામાં આવ્યા છે. 

કેમ ફરિયાદ થઇ ?

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઝાકિયા જાફરીએ કરેલી દરેક અરજીમાં SIT સમક્ષ સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમારે કરેલા નિવેદન અને તેમણે રજૂ કરેલા દસ્તાવેજોનો ઉપયોગ થયો છે. SITની તપાસ દરમિયાન આ દસ્તાવેજો ઉપજાવી કાઢેલા, નિવેદન પાછળ કોઈ તથ્ય કે પુરાવા નહી હોવાનું સાબિત થયેલું છે. કેટલાક કિસ્સાઓમાં ભટ્ટ અને શ્રીકુમારે કરેલા દાવા કાયદાથી પર જઈ અંગત રેકર્ડ ઉભા કરી રજૂ થયા હોય એવું પણ સાબિત થયું છે. 

ગુજરાત પોલીસ હવે સુપ્રીમના અવલોકન બાદ આ સમગ્ર મામલાની તપાસ કરશે કે ભટ્ટ, શ્રીકુમાર અને સેતલવાડ અંગત સ્વાર્થ માટે કે કોઈકના ઈશારે આ કાર્ય કરી રહ્યા હતા, કોઈ રાજકીય સંગઠન કે અન્ય સંગઠનનો આ કેસમાં હાથ છે કે નહી, નાણાકીય લેવડદેવડ, અંગત લાભ મેળવ્યા હોય કે નહી તે અંગે હવે તપાસ કરવામાં આવશે. 

Gujarat