સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત

Sabarkantha Violence: સાબરકાંઠામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજના મજરા ગામમાં શુક્રવારે (18 ઓક્ટોબર) સાંજે ધાર્મિક કાર્યક્રમ યોજવાને લઈને બે જૂથો વચ્ચે મોડી રાત્રે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન ગામમાં હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ 20 જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી
વાહનોને આગચંપી
મળતી માહિતી મુજબ, તોફાની બનેલા ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ એક જ કોમના લોકોને નિશાન બનાવીને તેમના વાહનો અને રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 26 કાર, 51 બાઇક, 6 ટેમ્પો (2 મોટા અને 4 મિની), અને 3 ટ્રેક્ટર સહિત 96થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 10 જેટલા મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે કરોડોનું મોટું નુકસાન થયું હતું.
આ પણ વાંચોઃ કૌભાંડ અને વિવાદે ત્રણ મંત્રીઓનો ભોગ લીધો, સરકારની પ્રતિષ્ઠા કરી હતી ધૂળધાણી
આ હિંસક ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસનો મોટો કાફલો તુરંત જ મજરા ગામ પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે તોડફોડ અને હિંસા આચરનારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગામમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી.