Gujarat

સાબરડેરી દ્વારા દૂધના ભાવ ઘટાડા સામે વાવમાં દૂધ ઢોળીને વિરોધ કરાયો

By GS Team
5 Jul 20201 min read
This article was originally published on 5 Jul 2020
સાબરડેરી દ્વારા દૂધના ભાવ ઘટાડા સામે વાવમાં દૂધ ઢોળીને વિરોધ કરાયો

તલોદ, તા. 4 જુલાઈ, 2020, શનિવાર

સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં ઘટાડો કરવાની કરેલ જાહેરાતનો વિરોધ આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવ ગામ ખાતે આજે થયો હતો અને ગામની દૂધ મંડળીના ગ્રાહકોએ મંડળીમાં ભરવાનું દૂધ મંડળીના મકાન આગળ ખુલ્લામાં ઢોળી દઈને, ડેરી અને સરકાર ખેડૂતોનું શોષણ બંધ કરે !! તેવા સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તલોદ તાલુકાના વાવ ગામની દૂધમંડળીમાં આજે સવારે દૂધનો પુરતો જથ્થો જમા થવા પામ્યો નહતો. દૂધ ભરવા આવેલા ગ્રાહક દૂધ ઉત્પાદકોએ પોતાના દૂધના વાસણ ડેરી આગળ ઠાલવી દીધા હતા. આમ કરીને આ દૂધ ઉત્પાદકોએ ૧લી જુલાઈ ૨૦૨૦થી સાબરડેરી સત્તાધીશોએ કરેલો દૂધનો ભાવ ઘટાડો નામંજૂર હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ અને આવા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાબરડેરીના ગ્રાહકો ભાવ ઘટાડાના ડેરીના નિર્ણયને પરત ખેંચવા આંદોલન પણ ચલાવશે તેમ તેમના તેવર ઉપરથી ભાસી રહ્યું છે. વાવ દૂધ મંડળી આગળ દૂધ ઢોળી દઈને કરવામાં આવેલા દેખાવોના કાર્યક્રમમાં ભારતીય કિસાન મંડળ સમિતિ તલોદ તાલુકાના પ્રમુખ કોદરભાઈ એલ. પટેલ તથા વાવ દૂધ મંડળીના ચેરમેન વિનુભાઈ છબાભાઈ પટેલ સહિતના ગ્રામજનો, મંડળીના સભાસદો ગ્રાહકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બંને જિલ્લાની દૂધ મંડળીઓના ચેરમેન ડેરીને તથા સંગઠનને એક-એક પત્ર પાઠવીને તાકીદે ડેરીવાળા દૂધનો ભાવ ઘટાડો મોકુફ રાખે તેવી માંગ કરનાર છે.