અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આક્રોશ ઠાલવ્યો
Sabar Dairy Protest: સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. છેલ્લાં ત્રણ દિવસથી આ મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, જે આજે પણ યથાવત્ રહ્યું છે. આ સિવાય એક પશુપાલકના મોત અને કેટલાક લોકોની અટકાયતને પગલે બંને જિલ્લામાં ઠેર ઠેર વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. 74 આગેવાનો અને 1000 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પશુપાલકો વધુ ગુસ્સે ભરાયા છે. અરવલ્લી જિલ્લાના મેઢાસણ, ખંભીસર, હફસાબાદ, સીણાવાડ સહિત બુટાલ, કોલવડા, નવાગામ અને આકરુન્દ ગામોના પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ન ભરીને રસ્તા પર ઢોળી રહ્યા છે. જ્યારે સીણાવાડ, ખંભીસર સહિતના કેટલાય ગામોમાં સાબર ડેરીના ચેરમેન, ડિરેક્ટરોની નનામી કાઢી અંતિમ વિધિ કરીને પણ વિરોધ કરાયો હતો.
શું છે ઘટના?
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સાબરડેરીમાં ગત વર્ષે સંચાલક મંડળ દ્વારા 14 તાલુકાના સભાસદોને 17 ટકા મુજબ 602 કરોડ રૂપિયાના દૂધ ભાવ ફેર નફો વહેંચવામાં આવતો હતો. ગમે તે કારણોસર કે પછી કથિત બાકી ઓડિટના નામે ચાલુ વર્ષે જુલાઈ માસમાં મોડે મોડે સાબર ડેરીના શાસકો દ્વારા 9.75 ટકા મુજબ 350 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ આ વર્ષે 7.25 ટકા નફો ઓછો જાહેર કરાતાં કે 252 કરોડ રૂપિયા ઓછા ચૂકવાતા લાખો સભાસદોમાં છૂપો અસંતોષ વર્તાયો હતો.
દૂધ ઢોળી કરાયો વિરોધ
ત્યારબાદ તેમની આ કચવાટની લાગણીને કેટલાક સહકારી નેતાઓ, રાજ નેતાઓ એ નેતૃત્વ પૂરું પાડતાં રવિવારના રોજ સાબર ડેરીએ એકઠા થયેલા હજારો દૂધ મંડળીના સભાસદો, પશુપાલકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો અને જોતજોતામાં આ આક્રોશે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સભાસદો અને પોલીસ વચ્ચે ધર્ષણ સર્જાયું હતું. ભારે પથ્થરમારા સામે ટીયર ગેસ સેલ છોડાતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પરિણામે એક ખેડૂતનું મોત થયું હતું અને કેટલાય પશુપાલકોની અટકાયત કરાઈ હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી સાબર ડેરીના સંચાલક મંડળ અને પોલીસ કાર્યવાહી સામે 1800 જેટલી દૂધ મંડળીઓમાં ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે મંડળીઓએ સભાસદોને દૂધ ન ભરાવી રસ્તા ઉપર ઢોળ્યું હતું. આ સિવાય અનેક જગ્યાએ સાબર ડેરીના ચેરમેન સહિત સ્થાનિક ડિરેક્ટરોના છાજિયા લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.