સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR
Sabar Dairy Clash Case : સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યો હતો. પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાયું હતું. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને 1 હજાર ટોળા સામે FIR નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરી છે.
પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ ફરિયાદ
હિંમતનગરના ડિવિઝનના DySPએ જણાવ્યું હતું કે, 'સાબરડેર ખાતે ભાવફેરને લઈને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ટોળા દ્વારા પોલીસ વાહનો, સાબરડેરીના ગેટ, ગ્રીલ સહિત નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ટોળાએ પથ્થરમારો કરતાં કેટલાક પોલીસકર્મીને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના દરમિયાન અશોકભાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.'
પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સામે લોકોને ઉશ્કેરવાનો આરોપ
પોલીસ ફરિયાદ મુજબ, બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ શીવાભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ જેતાવત પર લોકોને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરપિંડી કરી હોવાને લઈને જશુભાઈ અને ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા મેસેજ ફેલાવ્યા હતા અને 14 જુલાઈના રોજ સાબર ડેરી ખાતે એકઠા થવા લોકોને ઉશ્કેર્યા હોવાન ફરિયાદ નોંધાવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
માહિતી અનુસાર, ગત 14 જુલાઈના રોજ સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે, અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે ડીવાએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા ત્યાં આવી પહોંચ્યો હતો. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.