દૂધના ભાવ મુદ્દે પશુપાલકોનો ઉગ્ર વિરોધ: સાબર ડેરીમાં પથ્થરમારા બાદ પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા
Sabarkantha news : સાબરકાંઠામાં એક મોટી ઘટના સામે આવી છે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતાં મામલો બગડ્યો હતો અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતાં પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
પોલીસ પર પશુપાલકોનો પથ્થરમારો
પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો.
કેમ કર્યા પ્રદર્શન?
માહિતી અનુસાર સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે ડીવાએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા ત્યાં આવી પહોંચ્યો હતો. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.