Get The App

પ્રીમિયમના નામે સરકારે રેતી-માટી સહિતના ખનિજોની રોયલ્ટી રાતોરાત બમણી કરી, મકાનો મોંઘા થવાની ભીતિ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News

પ્રીમિયમના નામે સરકારે રેતી-માટી સહિતના ખનિજોની રોયલ્ટી રાતોરાત બમણી કરી, મકાનો મોંઘા થવાની ભીતિ 1 - image

Minerals Royalty Hike: સરકારે રાતોરાત રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી ઉપરાંત તેટલાં જ પ્રીમિયમની વસૂલાત એટલે કે ડબલ રોયલ્ટી જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે. અચાનક બમણા ભાવવધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. રેતી, કપચી અને સાદી માટી તેમજ અન્ય ખનિજો પર સરકાર દ્વારા દર વર્ષે 30 ટકા વધારો કરવામાં આવતો હતો. છેલ્લે વર્ષ-2015માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો અને ત્યારબાદ કોઈ વધારો કરવામાં ન હતો આવ્યો. વર્ષ-2017ના જાહેરનામાં મુજબ નવી લીઝ 100 ટકા પ્રીમીયમ ભર્યા બાદ એલોટ થતી હતી જેથી રોયલ્ટીની રકમમાં વધારો કરી શકાતો ન હતો.

ચાર કલાક બંધ રહ્યું રોયલ્ટીનું પોર્ટલ અને બાદમાં રોયલ્ટી ડબલ થઈ ગઈ

છેલ્લા 10 વર્ષથી રોયલ્ટીની રકમમાં કોઈ વધારો નહતો થયો અને ત્યારબાદ સોમવારે રાતોરાત સરકારે વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં સરકારે રોયલ્ટીના બદલે રોયલ્ટીની ઉપર તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે ખનિજ માટે હવે લગભગ બમણી રોયલ્ટી ભરવી પડશે. સોમવારે સાંજે રોયલ્ટી ભરવા માટેની ઓનલાઈન સિસ્ટમ ચાર કલાક સુધી બંધ રહી હતી અને સિસ્ટમ શરૂ થઈ ત્યારે નવી રોયલ્ટીના ભાવો ઉત્પાદકતાઓને બતાવતા હતાં. તાત્કાલિક અસરથી વિવિધ ખનિજો પર વસૂલાતી રોયલ્ટી તેમજ પ્રીમિયમના ભાવમાં વધારો કરી દેતા ઉત્પાદકતાઓને પણ આંચકો લાગ્યો છે. વિવિધ ખનિજો સાથે સંકળાયેલા એસોસિએશનો પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવો કે નહીં તે અંગે અસમંજસમાં છે.

આ પણ વાંચોઃ પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશ

ખનિજની હેરાફેરીમાં રોયલ્ટીની ચોરી વધવાની શક્યતા

રાજ્ય સરકાર દ્વારા ખનિજોની રોયલ્ટીના દર ડબલ કરી દેતા હવે ખનિજચોરી થવાની શક્યતા વધી ગઈ છે. આમ પણ રેતી, માટી તેમજ બ્લેક ટ્રેપની કેટલીક ક્વોરીઓ દ્વારા વધતી ઓછી રોયલ્ટીની ચોરીઓ થતી હોય છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા રોડ પર રોયલ્ટી વગરના વાહનો ઝડપી પાડી રોયલ્ટી ઉપરાંત દંડની વસૂલાત કરાતી હોય છે. હવે રોયલ્ટીના દરો બમણાં કરી દેવાતા ચોરી વધશે તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે.

રેતીમાં બે માસ પહેલાં જ ડબલ રોયલ્ટીની વસૂલાત શરૂ કરાઈ

રાજ્ય સરકાર દ્વારા રેતીની રોયલ્ટીના દરોમાં બે મહિના પહેલાં જ વધારો કરી દેવાયો હતો અને તે મુજબ જ બમણી રોયલ્ટીની વસૂલાત થતી હતી. જોકે, હવે દરેક ખનિજો પર ડબલ રોયલ્ટી વસૂલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન અકસ્માતના પીડિતો એર ઇન્ડિયા-બોઇંગ સામે કોર્ટમાં જશે

મહત્વના ખનિજો પર 100 ટકા પ્રીમિયમ બાદના દર

ખનિજજૂના દરનવા દર
કપચી4590
રેતી4080
માટી2550
જિપ્સમ45

90


  • ઉપરોક્ત દરો મેટ્રિક ટનના છે. 
  • ઉત્પાદકોએ રોયલ્ટીના દરો ઉપરાંત 18 ટકા જીએસટી, 10 ટકા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અને મટિરિયલના વેચાણ પર વધારાનો 5 ટકા જીએસટી ભરવો પડે છે.
Tags :