અમદાવાદ વિમાન અકસ્માતના પીડિતો એર ઇન્ડિયા-બોઇંગ સામે કોર્ટમાં જશે
- મૃતકોનો પરિવાર લો ફર્મના સંપર્કમાં હોવાના અહેવાલ
- બન્ને કંપનીઓ સામે અમેરિકા અને બ્રિટનની કોર્ટોમાં આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કેસો દાખલ થઇ શકે છે
લંડન : ૧૨મી જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે પણ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેઓના પરિવારજનો હવે એર ઇન્ડિયા અને વિમાન બનાવતી વિદેશી કંપની બોઇંગ સામે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. પીડિત પરિવારો લંડન અને અમેરિકાની લો ફર્મના સંપર્કમાં છે. જેથી ગમે ત્યારે કેસ દાખલ થઇ શકે છે.
પીડિત પરિવાર બ્રિટનની કીસ્ટોન અને અમેરિકાની વાઇઝનર લો ફર્મના સંપર્કમાં છે. આ બન્ને ફર્મની એક ટીમ મળીને બોઇંગ અને એર ઇન્ડિયાની સામે કેસ દાખલ કરવાની તૈયારીમાં હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં વધુમાં દાવો કરાયો છે કે આ કેસો બ્રિટન અને અમેરિકાની કોર્ટમાં દાખલ થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદાને ધ્યાનમાં રાખીને પીડિતોના પરિવારના જે પણ અધિકારો છે તે મુજબ કેસ દાખલ થઇ શકે છે. કીસ્ટોન લોએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે અમે એર ઇન્ડિયાની મુખ્ય વીમા કંપની ટાટા એઆઇજી તરફથી તાજેતરમાં જાહેર કરાયેલ નાણાકીય સેટલમેન્ટની સમિક્ષા કરી રહ્યા છીએ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એર ઇન્ડિયાની એ જવાબદારીની પણ તપાસ કરી રહ્યા છીએ જે હેઠળ તેમણે પીડિત પરિવારને આગોતરા વળતર આપવાનું હોય છે. જ્યારે લો ફર્મ સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું કે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા બ્રિટનના લોકોના સંપર્કમાં છીએ. હાલ તમામ પુરાવાની તપાસ કરી રહ્યા છીએ. બાદમાં અમેરિકામાં બોઇંગ સામે કેસ દાખલ કરીશું. આ જ પ્રકારનો કેસ લંડનની હાઇકોર્ટમાં એર ઇન્ડિયા સામે પણ કરવાની તૈયારી છે. જે પણ મુસાફરો આ અકસ્માતમાં માર્યા ગયા છે તેમાંથી ૧૮૧ ભારતીય નાગરિકતા ધરાવતા હતા જ્યારે બાવન લોકો બ્રિટનના હતા.